ગાંધીનગર

રાશનકાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર: ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય તો પણ ચહેરો સ્કેન કરીને મળશે અનાજ, ગુજરાતમાં ફેસ ઓથેન્ટિકેશન શરૂ થશે

રાશનકાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર: ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય તો પણ ચહેરો સ્કેન કરીને મળશે અનાજ, ગુજરાતમાં ફેસ ઓથેન્ટિકેશન શરૂ થશે

Gujarat Ration Card,

ગાંધીનગર :

ગુજરાત રાજ્યના ૭૨ લાખ જેટલા રેશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા અત્યંત રાહતરૂપ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો પરથી અનાજ મેળવતી વખતે ફિંગરપ્રિન્ટ મેચ ન થવાને કારણે રાશનથી વંચિત રહેતા પરિવારો માટે હવે ‘ફેસ ઓથેન્ટિકેશન’ (ચહેરાની ઓળખ) પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી રહી છે. જો કોઈ લાભાર્થીની આંગળી કે અંગૂઠાની છાપ મશીન સ્વીકારશે નહીં, તો મશીનના કેમેરા સામે ચહેરો રાખી વેરિફિકેશન કરીને રાશનનો જથ્થો આપી દેવામાં આવશે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર દીપક અતાણીના જણાવ્યા અનુસાર, સર્વર કક્ષાએ આ પ્રોજેક્ટ હાલ સક્રિય વિચારણા અને પ્રક્રિયા હેઠળ છે અને ટૂંક સમયમાં તેનો રાજ્યવ્યાપી અમલ શરૂ કરી દેવાશે.

વૃદ્ધો અને શ્રમિકોને સૌથી મોટો ફાયદો

હાલની બાયોમેટ્રિક પદ્ધતિમાં સૌથી વધુ મુશ્કેલી વરિષ્ઠ નાગરિકો અને દિવસ-રાત શારીરિક શ્રમ કરતા મજૂરોને પડતી હતી. વધતી જતી ઉંમર અથવા સતત કઠિન કામના કારણે હાથની આંગળીઓના નિશાન (રેખાઓ) ઘસાઈ જાય છે. જેને પગલે e-PoS મશીન ફિંગરપ્રિન્ટ પારખી શકતું નહોતું અને લોકોને અનાજ લીધા વગર ખાલી હાથે પરત ફરવું પડતું હતું. નવી વ્યવસ્થામાં કેમેરા દ્વારા ચહેરો સ્કેન કરી ડેટાબેઝ સાથે મેચ કરી લેવામાં આવશે, જેથી લાઈનમાં ઊભા રહેલા આવા લાભાર્થીઓને મુશ્કેલી વગર તુરંત રાશન મળી રહેશે.

e-PoS મશીનોમાં સોફ્ટવેર અને કેમેરા અપડેટ

સરકાર રાશન વિતરણની વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાનો) પર ઉપલબ્ધ ઈ-પીઓએસ (e-PoS) મશીનોના સોફ્ટવેર અપડેટ કરી રહી છે. જે મશીનોમાં હાઈ-રિઝોલ્યુશન કેમેરા સુવિધા ઉપલબ્ધ હશે ત્યાં આ સેવા પ્રાથમિક તબક્કે લાઈવ થઈ જશે અને તબક્કાવાર તમામ કેન્દ્રોને સજ્જ કરવામાં આવશે.

શું છે ePDS સિસ્ટમ?

ઇલેક્ટ્રોનિક પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (ePDS) એ સરકારની સંપૂર્ણ ડિજિટલ નેટવર્ક પ્રણાલી છે. આ સિસ્ટમ દ્વારા રાશનકાર્ડ ધારકોની યાદી, ગોડાઉનમાંથી માલનું વહન, દુકાનો પર સ્ટોકની ફાળવણી અને ગ્રાહકો સુધી અનાજના વિતરણનું રીયલ-ટાઇમ મોનિટરિંગ થાય છે. ફેસ રેકગ્નિશન જોડાવાથી આ સિસ્ટમ વધુ ઝડપી અને લોકાભિમુખ બનશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder