મોરબી વાંકાનેર

વાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 112 હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ના સંકલનથી પરપ્રાંતીય બાળકનું પરિવાર સાથે સુખદ મિલન

વાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 112 હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ના સંકલનથી પરપ્રાંતીય બાળકનું પરિવાર સાથે સુખદ મિલન

Wankaner Taluka Police

વાંકાનેર :

નવરાત્રીના પાવન પર્વે વાંકાનેરથી કચ્છ માતાના મઢ તરફ જતાં હજારો પદયાત્રીઓની સેવા માટે નેશનલ હાઈવે પર ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ભક્તોની આસ્થા અને સેવા વચ્ચે મોરબી જિલ્લા પોલીસ પણ કાયદો-વ્યવસ્થાની સાથે માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડી રહી છે. ગત ૬ ઑક્ટોબરના રોજ ઢુવા નજીક સેવા કેમ્પમાંથી પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા ૧૨ વર્ષના પરપ્રાંતીય બાળકને વાંકાનેર તાલુકા પોલીસે માત્ર ત્રણ કલાકની ભારે જહેમત બાદ શોધી કાઢી માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

સેવા કેમ્પમાંથી બાળક વિખૂટું પડ્યું, 112 પર મળી માહિતી

બપોરે આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે ઢુવા નજીક કાર્યરત સેવા કેમ્પમાં ૧૨ વર્ષનો એક કિશોર એકલો અને ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન ૧૧૨ પર સંપર્ક કરાતાં પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને હેમખેમ વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.

ભાષાની અડચણ છતાં બાળકની વાત સમજી વાલી સુધી પહોંચ્યા

બાળક મૂળ અન્ય રાજ્યનો અને સંપૂર્ણ હિન્દીભાષી હોવાથી તેના પરિવારનું સરનામું કે વિગતો મેળવવી પોલીસ માટે મોટો પડકાર હતો. જોકે, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સીધી સૂચના હેઠળ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડાએ બાળક સાથે અત્યંત પ્રેમપૂર્વક અને ધીરજથી હિન્દીમાં સંવાદ સાધી તેના ગામ અને પરિવાર વિશે નાની-નાની વિગતો મેળવી હતી. સ્થાનિક સંપર્કો, સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને હેલ્પલાઇન નેટવર્કના સંકલનથી પોલીસે ગણતરીના સમયમાં બાળકના ચિંતાતુર પરિવારજનોનો પત્તો મેળવી લીધો હતો.

પુત્રને જોતાં જ માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા

પોલીસે બાળકના પરિવારજનોનો સંપર્ક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. કલાકોથી ગુમ થયેલા વહાલસોયા પુત્રને સુરક્ષિત જોઈ માતા-પિતા ભાવવિભોર બની ગયા હતા અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. પરિવારે મોરબી અને વાંકાનેર પોલીસની આ ત્વરિત અને માનવીય મદદ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ પોલીસ અધિકારી-કર્મચારીઓની રહી સરાહનીય ભૂમિકા

આ સમગ્ર માનવીય અભિયાનને સફળ બનાવવામાં વાંકાનેર તાલુકા પીઆઈ બી.વી. પટેલ, પીએસઆઈ ડી.વી. ખાંભલા, ‘સી-ટીમ’ (SHE Team) ના મહિલા હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ, મહિલા કોન્સ્ટેબલ હિરલબેન દિનેશભાઈ, ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતના સ્ટાફે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder