રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિમાં ભાજપની કડક SOP થી સિનિયર્સ આઉટ: તમામ નવા ચહેરાઓને તક મળતાં જૂના જોગીઓમાં કચવાટ અને ભડકો

રાજકોટ શિક્ષણ સમિતિમાં ભાજપની કડક SOP થી સિનિયર્સ આઉટ: તમામ નવા ચહેરાઓને તક મળતાં જૂના જોગીઓમાં કચવાટ અને ભડકો

Rajkot Shikshan Samit

રાજકોટ:

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જોકે, ચૂંટણી ભલે ટળી ગઈ હોય પરંતુ ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપ સંગઠન અંદર ભારે ધૂંધવાટ અને અસંતોષની લાગણી જન્મી છે. પાર્ટી દ્વારા નક્કી કરાયેલી નવી માર્ગદર્શિકા (SOP) ને કારણે પાયાના સિનિયર આગેવાનો અને પૂર્વ નગરસેવકો આપોઆપ પદની રેસમાંથી બહાર થઈ જતાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

૩૦૦ દાવેદારોમાંથી ૧૧ નવા ચહેરાઓ પર મહોર

શિક્ષણ સમિતિ માટે ભાજપમાંથી સૌપ્રથમ ૩૦૦ જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. તેમાંથી સ્ક્રીનિંગ કરીને ૩૫ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાયા હતા. અંતે જાહેર થયેલા ૧૧ નામોમાં તમામ નવા અને પ્રમાણમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉંમર મર્યાદા, ચૂંટણી લડવાની તકો અને સંગઠનની કડક માર્ગદર્શિકાને કારણે વર્ષોથી પક્ષ માટે લોહી-પાણી એક કરનારા અનેક પીઢ અગ્રણીઓ સાઇડલાઇન થઈ ગયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.

વોર્ડ નં. ૨ ના ભાજપ ગ્રૂપમાં ચેટ વાયરલ થતાં ગરમાવો

ભાજપના વિવિધ વોર્ડમાં આંતરિક વિરોધના સૂર ઉઠ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર ૨ ના સત્તાવાર ભાજપ ગ્રૂપમાં કેટલાક પાયાના કાર્યકરોએ વાયરલ ચેટ દ્વારા પોતાની તીવ્ર નારાજગી અને આક્રોશ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વોર્ડ શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યનો રહેણાંક વિસ્તાર હોવાથી આ વિરોધના પડઘા સીધા મોવડીમંડળ સુધી પહોંચ્યા છે.

‘પાયાના કાર્યકરોને સાચવવાની પરંપરા ખતમ’

પાર્ટીના જૂના આગેવાનોમાં ચર્ચા છે કે ભૂતકાળમાં મહાનગરપાલિકાની ટિકિટ ન મળી શકી હોય તેવા સમર્પિત આગેવાનોને શિક્ષણ સમિતિ જેવી જગ્યાઓએ હોદ્દા આપીને સાચવી લેવામાં આવતા હતા. અગાઉ નરેન્દ્રસિંહ ઠાકુર, ગોવિંદભાઈ પટેલ, માવજીભાઈ ડોડિયા અને વિક્રમભાઈ પુજારા જેવા દિગ્ગજોને આવી જ રીતે સમિતિમાં તક મળી હતી. પરંતુ આ વખતે કોર્પોરેશન બાદ શિક્ષણ સમિતિમાંથી પણ સિનિયર્સની બાદબાકી થતાં ઘણા અગ્રણીઓને પરાણે નિવૃત્ત કરી દેવાયા હોવાની લાગણી જન્મી છે અને આ મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

શિક્ષણ સમિતિમાં બિનહરીફ થયેલા ભાજપના ૧૧ સભ્યો:

  1. કપિલભાઈ લલિતભાઈ નથવાણી (સામાન્ય બેઠક)
  2. હર્ષિત પ્રહલાદભાઈ કાવર (સામાન્ય બેઠક)
  3. વિરેન્દ્રભાઈ હર્ષદભાઈ ભટ્ટ (લાયકાતવાળી અનામત બેઠક)
  4. યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા (સામાન્ય બેઠક)
  5. હરેશભાઈ મૂળજીભાઈ કાનાણી (લાયકાતવાળી અનામત બેઠક)
  6. ડૉ. તૃષીબેન ઋષિકેશ શુક્લ (લાયકાતવાળી અનામત બેઠક)
  7. કલ્પનાબેન રમેશભાઈ કિયાડા (સામાન્ય બેઠક)
  8. દ્રુપલબેન (ડોલીબેન) કબીરભાઈ ટાંક (સામાન્ય બેઠક)
  9. રાઠોડ પિન્ટુભાઈ કિશોરભાઈ (સામાન્ય બેઠક)
  10. કેયૂર રસિકલાલ મશરૂ (સામાન્ય બેઠક)
  11. પ્રવીણભાઈ ચાવડા (સામાન્ય બેઠક)

આ યાદીમાં વોર્ડ નંબર ૩ માંથી બે અને વોર્ડ નંબર ૮ માંથી બે સભ્યોને પ્રતિનિધિત્વ મળ્યું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder