સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: ચુડા રેલવે સ્ટેશને મહિલાની છેડતી કરી મંગળસૂત્ર લૂંટવાનો પ્રયાસ, ઝપાઝપીમાં મહિલા ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર: ચુડા રેલવે સ્ટેશને મહિલાની છેડતી કરી મંગળસૂત્ર લૂંટવાનો પ્રયાસ, ઝપાઝપીમાં મહિલા ઈજાગ્રસ્ત

Surendranagar Crime,

સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. જિલ્લાના ચુડા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ૩૧ વર્ષીય પરિણીતા સાથે અજાણ્યા આવારા તત્વોએ છેડતી કરી તેમના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મહિલાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ચુડા સ્ટેશને બની ઘટના: ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ

મળતી વિગતો અનુસાર, ભુગુપુરા ગામના રહેવાસી હેતલબેન ડાભી (ઉં.વ. ૩૧) કોઈ કામઅર્થે ચુડા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ સ્ટેશન પરિસરમાં અડ્ડો જમાવીને બેઠેલા અજાણ્યા લુખ્ખા તત્વોએ મહિલાને એકલવાયા જોઈ તેમની છેડતી શરૂ કરી દીધી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ લુખ્ખાઓએ મહિલાના ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર બળજબરીપૂર્વક ખેંચીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ સ્વબચાવમાં પ્રતિકાર કરતાં આરોપીઓએ ઝપાઝપી કરી હતી, જેના કારણે મહિલાને ગળાના ભાગે નહોર ભરાઈ જવા સહિતની શારીરિક ઈજાઓ પહોંચી હતી.

સિવિલ હોસ્પિટલમાં એમએલસી કેસ દાખલ, રેલવે અને લોકલ પોલીસ દ્વારા તપાસ

હુમલા બાદ ગભરાયેલી હાલતમાં મહિલાને પરિવારજનો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ અંગે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધીને ચુડા પોલીસ સ્ટેશનને સત્તાવાર જાણ કરવામાં આવી છે. આ ગુનાહિત કૃત્ય રેલવે સ્ટેશનની હદમાં બન્યું હોવાના કારણે સ્થાનિક ચુડા પોલીસની સાથે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પોલીસ પણ તપાસમાં જોડાઈ છે અને સ્ટેશન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગરમાં ખાખીનો ખોફ ઓસર્યો? નાગરિકોમાં ભારે આક્રોશ

રેલવે સ્ટેશન જેવા જાહેર પરિવહનના સ્થળે દિવસ-દહાડે મહિલાની છેડતી અને લૂંટના પ્રયાસની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો આક્ષેપ છે કે રેલવે સ્ટેશનો અને જાહેર માર્ગો પર આવારા અને નશેડી તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ પોલીસની યોગ્ય પેટ્રોલિંગ વ્યવસ્થા ન હોવાથી આવા ગુનેગારો બેખોફ બની ગયા છે. મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી ઊઠી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder