ગંગટોક:
સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલયન ક્ષેત્રોમાં કુદરતી હોનારતોનું જોખમ સતત વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં ક્યારે આભ ફાટે કે વિનાશક ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) સર્જાય તે કહેવું મુશ્કેલ બની ગયું છે. ભારતના પૂર્વોત્તર સરહદી રાજ્ય સિક્કિમમાં આવી જ એક હૃદયદ્રાવક હોનારત સામે આવી છે, જ્યાં પશ્ચિમ સિક્કિમના રિંબી ગામમાં મોડી રાત્રે અચાનક ત્રાટકેલા અતિભારે તોફાની વરસાદને પગલે પ્રચંડ ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી ધસી આવેલા કાદવ અને વિશાળ પથ્થરોના કાટમાળ નીચે આખું ગામ દબાઈ જતાં ચારેતરફ ભારે તારાજી અને ચીસાચીસ મચી ગઈ હતી.
યુક્સોમ અને તાશીડિંગ વિસ્તારમાં સર્જાયો વિનાશ
સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર, યુક્સોમ અને તાશીડિંગ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા રિંબી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે અંધારા વચ્ચે આ કુદરતી આફત ત્રાટકી હતી. ગ્રામજનો કંઈ સમજે કે સુરક્ષિત સ્થળે ભાગે તે પહેલાં જ પહાડી ઢોળાવ પરથી ધસમસતો કાટમાળ રહેણાક ઘરો પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક પાકા-કાચા મકાનો, સ્થાનિક વેપારીઓની દુકાનો તેમજ સરકારી ક્વાર્ટર કાટમાળની લપેટમાં આવીને પત્તાના મહેલની જેમ વહી ગયા હતા. કુદરતી પ્રકોપથી કરોડો રૂપિયાની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.

૧૨૮ લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ, તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક યુવાનોની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે ટીમોએ ૧૨૮ જેટલા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની રાહત શિબિરોમાં ખસેડ્યા હતા.
વરસાદ ચાલુ રહેતાં બચાવ કાર્યમાં અવરોધ, તંત્રનું એલર્ટ
વિસ્તારમાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ હોવાથી અને પહાડો પરથી માટી-પથ્થરો સરકવાનું જોખમ યથાવત રહેતાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ભૂસ્ખલન સંભવિત વિસ્તારો અને નદી-નાળાની નજીકથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.