નવી દિલ્હી:
ઉત્તર પ્રદેશમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી (SP) એ સૌને ચોંકાવનારો મોટો રાજકીય દાવ ખેલ્યો છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે જાણીતા ઉદ્યોગપતિ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ધનરાજ પરિમલ નથવાણીને ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. ધનરાજ નથવાણી વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ સાથે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે.

કોર્પોરેટ અને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં જાણીતો ચહેરો
ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માં મહત્વની જવાબદારી સંભાળવાની સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના પિતા પરિમલ નથવાણી પોતે રાજ્યસભાના ચાર ટર્મના સભ્ય છે અને હાલમાં ઝારખંડથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એક તરફ પિતા એનડીએ સમર્થન સાથે સાંસદ તરીકે કાર્યરત છે, ત્યારે બીજી તરફ પુત્ર ધનરાજ નથવાણીને સમાજવાદી પાર્ટીએ મેદાનમાં ઉતારતાં ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
અખિલેશ યાદવની 4 કલાકની બેઠક બાદ નામ ફાઈનલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, લખનૌ ખાતે અખિલેશ યાદવ અને સપાના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલેલી લાંબી બેઠક બાદ ધનરાજ નથવાણીના નામ પર મહોર મારવામાં આવી હતી. કોર્પોરેટ જગતના પ્રભાવશાળી ચહેરાને પ્રોજેક્ટ કરીને સમાજવાદી પાર્ટીએ માત્ર પરંપરાગત વોટબેંકથી આગળ વધીને મોટા આર્થિક અને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી બની રોમાંચક
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાલનું સંખ્યાબળ જોતાં શાસક એનડીએ ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા વધારાના ઉમેદવાર તરીકે ધનરાજ નથવાણીને ઉતારવામાં આવતાં ચૂંટણી બિનહરીફ રહેવાને બદલે અત્યંત રોમાંચક બની ગઈ છે. સપાના આ આક્રમક દાવથી ક્રોસ વોટિંગ અને ધારાસભ્યોના સમર્થનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.