

મોરબી: કાયદાથી ભાગીને લાંબા સમય સુધી બચી શકાય નહીં તેવો સ્પષ્ટ સંદેશ મોરબીએલ.સી.બી. ની ટીમે વધુ એક સફળ કામગીરી દ્વારા આપ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસ મહાનિરીક્ષક કચ્છ રેન્જ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.



તેના ભાગરૂપે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ સતત વોચ રાખી રહી હતી.દરમિયાન ખાનગી અને વિશ્વસનીય બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા કાઠી, રહે. ખટડી (તા. ચોટીલા), વાંકાનેર બાઉન્ડરી વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો.આ કામગીરી માત્ર એક આરોપીની ધરપકડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુનેગારો માટે ચેતવણી સમાન છે કે કાયદાની પકડમાંથી બચવું હવે વધુ મુશ્કેલ બન્યું છે. આધુનિક માહિતી તંત્ર, ચોક્કસ બાતમી અને પોલીસની સતત સતર્કતા ગુનેગારો સામે અસરકારક સાબિત થઈ રહી છે. આવા ઓપરેશનો કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે સમાજમાં સુરક્ષાની ભાવના પણ વધારશે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી (પેરોલ ફલો સ્ક્વોડ) તેમજ એલ.સી.બી. અને પેરોલ ફલો સ્ક્વોડના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.