મોરબી

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પાલિકા ટીમે શહેરના માર્ગો કર્યા સ્વચ્છ

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પાલિકા ટીમે શહેરના માર્ગો કર્યા સ્વચ્છ

Wankaner News

વાંકાનેર:જિતુભાઈ સોમાણી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પાવન અવસરે વાંકાનેર શહેરમાં સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના હેતુથી વાંકાનેર નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઝુંબેશમાં શહેરના મુખ્ય જાહેર માર્ગો, બજારો અને શૈક્ષણિક પરિસરોની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી.

માર્કેટ ચોક અને ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તારમાં સાફ-સફાઈ

અભિયાન અંતર્ગત શહેરના હૃદયસમા માર્કેટ ચોક, ગર્લ્સ હાઈસ્કૂલ રોડ તેમજ મુખ્ય માર્ગો પર પદાધિકારીઓ, આગેવાનો અને સફાઈ કર્મીઓએ સાથે મળીને સફાઈ કરી હતી. આ તકે ઉપસ્થિત નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પોતાના ઘર તેમજ દુકાનની આસપાસ કચરો ન ફેંકવા અને વાંકાનેરને સ્વચ્છ-સુંદર રાખવા અપીલ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એ નગરપાલિકાની પ્રાથમિકતા: પાલિકા પ્રમુખ

નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ ગાંધી જયંતિના વિશેષ અવસરે નગરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવાય અને દરેક નાગરિક સ્વચ્છતાના સંકલ્પ સાથે જોડાય તે હેતુથી આ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ

આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકા ઉપપ્રમુખ માધવીબેન દવે, કાઉન્સિલરો સર્વશ્રી બ્રિજરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિગ્નેશ નાગ્રેચા, દિનેશ સોલંકી, દીપક ધામેચા, ગીતાબેન દોશી, દક્ષાબેન સંઘવી, વિદ્યાબેન તેમજ ભાજપ સંગઠનના કાર્યકરો, મહિલા મોરચાના આગેવાનો તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કર્યું હતું.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder