મોરબી

મોરબીમાં MRC પ્રક્રિયા સામે ખેડૂતો લાલઘૂમ: મહેશ રાજકોટીયાના કલેક્ટરને 7 કાયદાકીય સવાલો, 2222 કારના કાફલા સાથે આંદોલનની ચીમકી

મોરબીમાં MRC પ્રક્રિયા સામે ખેડૂતો લાલઘૂમ: મહેશ રાજકોટીયાના કલેક્ટરને 7 કાયદાકીય સવાલો, 2222 કારના કાફલા સાથે આંદોલનની ચીમકી

Morbi News

મોરબી:

મોરબી જિલ્લામાં ખેતીની જમીન પરથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન લાઈનો અને મોટા ટાવરો સામે અસરગ્રસ્ત ખેડૂતોના વળતરનો મુદ્દો હવે વહીવટી તંત્રની માર્કેટ રેટ કમિટી (MRC) ની કાયદેસરતા સામે સીધા સંઘર્ષના તબક્કામાં પહોંચી ગયો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને ઈ-મેલ મારફતે વિસ્તૃત રજૂઆત મોકલીને MRC ની સમગ્ર પ્રક્રિયા, વેલ્યુઅરની શૈક્ષણિક-કાયદાકીય લાયકાત અને ખેડૂતોની સંમતિ બાબતે ૭ વેધક કાયદાકીય સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ખેડૂત અગ્રણી મહેશ રાજકોટીયાએ વહીવટી તંત્રને ચીમકી આપી છે કે જો આ સવાલોના લેખિત જવાબો આપી એકતરફી દબાણ બંધ નહીં થાય, તો સમગ્ર ગુજરાતમાંથી ૨,૨૨૨ કારના કાફલા સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

“૪ જુલાઈના ઠરાવમાં સ્વૈચ્છિક સંમતિની જોગવાઈ, તો પછી હાજરીનું દબાણ કેમ?”

ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ નોટિસ પાઠવીને ખેડૂતોને MRC ની કાર્યવાહીમાં હાજર રહેવા માટે વહીવટી દબાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂત સંગઠને ઊર્જા વિભાગના ૪ જુલાઈ, ૨૦૨૬ ના ઠરાવના મુદ્દા નંબર-૭ નો હવાલો આપતાં જણાવ્યું હતું કે નિયમ મુજબ વળતર અને સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયામાં ખેડૂતની સ્વૈચ્છિક સંમતિ અનિવાર્ય છે. જો કાયદાકીય રીતે સંમતિ જ સર્વોપરી હોય, તો પછી ખેડૂતોની મરજી વિરુદ્ધ તેમને નોટિસો આપીને એકતરફી સુનાવણી કે મૂલ્યાંકન થોપવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે?

કૃષિ જમીનનું મૂલ્યાંકન કરનાર વેલ્યુઅર કોણ? હાઈકોર્ટના ચુકાદાનો હવાલો

પ્રેસનોટમાં ગુજરાત હાઈકોર્ટના ૧૪ જુલાઈ, ૨૦૨૬ ના કેતન નટવરલાલ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસનો સંદર્ભ ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કૃષિ જમીનના વાસ્તવિક મૂલ્યાંકન માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અનુભવ હોવો ફરજિયાત છે. સંગઠને ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે MRC પ્રક્રિયા માટે અચલ મિલકત (ઈમ્મુવેબલ પ્રોપર્ટી) ના સામાન્ય વેલ્યુઅરોની યાદીનો ઉપયોગ થઈ રહ્યો હોય, તો તેમને ખેતીની જમીનનું મૂલ્યાંકન કરવાની કાયદેસર સત્તા કયા કાયદા હેઠળ મળી છે? આ ઉપરાંત વેલ્થ-ટેક્સ એક્ટ, ૧૯૫૭ ની કલમ ૮A(૨) અને ૮A(૩) ની જોગવાઈઓ ટાંકીને વેલ્યુઅરની લાયકાત અંગે કલેક્ટર પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.

ખેડૂતોની ૫ સ્પષ્ટ માંગણીઓ: ૧. કૃષિ જમીનનું મૂલ્યાંકન કરવા સક્ષમ હોય તેવા માન્ય વેલ્યુઅરોની સત્તાવાર યાદી જાહેર કરવી.

૨. નિયુક્ત વેલ્યુઅર્સની શૈક્ષણિક લાયકાત અને કાયદાકીય આધાર સાર્વજનિક કરવો.

૩. ખેડૂતોને અપાયેલી ૨૧ સપ્ટેમ્બરની દબાણપૂર્વકની નોટિસો તાત્કાલિક રદ કરવી.

૪. અસરગ્રસ્ત ખેડૂતની લેખિત મંજૂરી વિના કોઈ પણ બેઠક કે મૂલ્યાંકન ન કરવું.

૫. ભવિષ્યમાં ખેડૂતો પર વહીવટી કાર્યવાહીના નામે કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન લાવવું.

૨,૨૨૨ કારના કાફલા સાથે ‘આરપારની લડાઈ’ ની ચીમકી

ખેડૂત અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેતર વચ્ચેથી મહાકાય ટાવરો ઊભા કરવાથી જમીન કાયમ માટે બિનઉપયોગી બને છે. જો મૂલ્યાંકન કરનાર વ્યક્તિની લાયકાત જ શંકાસ્પદ હોય તો ખેડૂતોને વાજબી વળતર મળવાની કોઈ આશા રહેતી નથી. જો જિલ્લા વહીવટીતંત્ર સાતેય સવાલોના લેખિત જવાબો સાથે તાત્કાલિક નિર્ણય નહીં લે, તો ગુજરાતભરના ખેડૂતો ૨,૨૨૨ કારના કાફલા સાથે મોરબીમાં જમીન પર ઉતરીને આરપારની લડાઈ લડશે. હવે આ મામલે જિલ્લા વહીવટીતંત્ર અને ઊર્જા વિભાગ શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર રાજ્યના ખેડૂતોની નજર ટકેલી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder