મોરબી :
ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું માધ્યમ નથી, પરંતુ આપત્તિના સમયે નાગરિકોની પડખે ઊભા રહેવું, મુશ્કેલીમાં જીવ બચાવવા દોડી જવું અને અટપટા ગુનાઓની તપાસમાં સત્ય સુધી પહોંચવું એ જ પોલીસ સેવાનો સાચો ધર્મ છે. મોરબી પોલીસ બેડામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણની ૧૫ વર્ષની પોલીસ કારકિર્દી આ ફરજનિષ્ઠા અને માનવીય અભિગમનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

૨૦૧૧થી શરૂ થયેલી ખાખીની સફર
મોમજીભાઈ ચૌહાણે વર્ષ ૨૦૧૧માં રાજકોટ રૂરલ પોલીસ ભરતીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યારબાદ મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાની તક મળી હતી. પાટીદાર અનામત આંદોલનના સંવેદનશીલ સમયગાળાથી લઈને કોરોના મહામારીના કપરા કાળ દરમિયાન તેમણે મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને કાયદો-વ્યવસ્થાની સાથે માનવીય સંવેદનાનો અનોખો પરિચય આપ્યો હતો. તત્કાલીન પોલીસ અધિકારીઓ એન.કે. વ્યાસ અને બી.પી. સોનારાના માર્ગદર્શન હેઠળ તેમણે ફિલ્ડ કામગીરીના મહત્વના પાઠ શીખ્યા હતા.
દીવાલ ધરાશાયી દુર્ઘટનામાં બચાવ કામગીરી બદલ SP દ્વારા સન્માન
મોરબીમાં ભારે વરસાદ દરમિયાન કંડલા બાયપાસ નજીક પચ્ચીસ વારીયા વિસ્તારમાં વરંડાની દીવાલ ધરાશાયી થવાની કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, જેમાં ૧૧ નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ મોમજીભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બચાવ કામગીરીમાં ઝંપલાવી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીની નોંધ લઈ તત્કાલીન પોલીસ અધિક્ષક (SP) ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા તેમને પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચર્ચાસ્પદ તાજમહમદ ભટ્ટી મર્ડર કેસનું ડિટેક્શન અને IG સન્માન
વાંકાનેર તાલુકા પોલીસ મથક તેમજ મોરબી સિટી ‘બી’ ડિવિઝનમાં ફરજ દરમિયાન મોમજીભાઈ ચૌહાણે ક્રાઈમ ડિટેક્શનમાં પણ પોતાની ઉત્કૃષ્ટ ક્ષમતા સાબિત કરી હતી. સમગ્ર પંથકમાં ચકચાર જગાવનારા તાજમહમદ ભટ્ટી હત્યા કેસના ભેદ ઉકેલવામાં અને આરોપીઓને કાયદાના સકંજામાં લાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉત્કૃષ્ટ તપાસ કામગીરી બદલ સરહદી રેન્જ (ભુજ) ના તત્કાલીન આઈજીપી ચિરાગ કોરડિયા દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરાયું હતું.
કોન્સ્ટેબલથી ASI: હોદ્દો બદલાયો, સેવાનો ભાવ અકબંધ
વર્ષ ૨૦૧૧થી ૨૦૨૬ સુધીના ૧૫ વર્ષના સેવાકાળ દરમિયાન કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવી ASI બનવા સુધી મોમજીભાઈની જવાબદારીઓ સતત વધતી રહી, પરંતુ ફરજ પ્રત્યેનો તેમનો સમર્પિત ભાવ અવિરત રહ્યો છે. મોરબી પોલીસ પરિવાર અને સ્થાનિક પ્રજા વચ્ચે તેઓ એક સંવેદનશીલ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે.