


મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારનું મહત્વ પુનઃસ્થાપિત કરવા તથા વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ અને રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુસર મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો ભવ્ય પ્રારંભ થયો. મોરબીના એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના હસ્તે કરવામાં આવ્યો.
પ્રાસંગિક ઉદબોધનમાં શિશપાલજીએ જણાવ્યું કે મિલેટ્સ માત્ર ખોરાક નહીં પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘શ્રી અન્ન’ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે.


સ્વસ્થ જીવન માટે સાત્વિક અને રસાયણમુક્ત આહાર અનિવાર્ય હોવાનું જણાવી તેમણે દરેક નાગરિકને ‘ફેમિલી ફાર્મર’ સાથે જોડાવાનું અનુરોધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં મિલેટ્સનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું તેમણે ઉમેર્યું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી મહોત્સવ કૃષિ ક્ષેત્રે નવી દિશા આપે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બનશે. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ સ્વાગત પ્રવચન આપ્યું, જ્યારે નાયબ ખેતી નિયામક કે.જી. પરસાણીએ આભારવિધિ કરી. ઉપસ્થિતોએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું. મહોત્સવ દરમિયાન મહિલા સખી મંડળો દ્વારા રાગી સહિતના મિલેટ્સમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યા. ખેતીવાડી વિભાગ દ્વારા જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને વિવિધ સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ નગરજનોને આ મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનો અપનાવી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી સહિત અનેક આગેવાનો, ખેડૂતશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.