રાષ્ટ્રીય

ભારત માટે મોટા ખુશખબર: ઓડિશાના દરિયામાંથી મળ્યો કુદરતી ગેસનો વિશાળ ભંડાર, ONGCને મળી ઐતિહાસિક સફળતા

ભારત માટે મોટા ખુશખબર: ઓડિશાના દરિયામાંથી મળ્યો કુદરતી ગેસનો વિશાળ ભંડાર, ONGCને મળી ઐતિહાસિક સફળતા

Natural Gas

નવી દિલ્હી:

મિડલ ઈસ્ટ (મધ્યપૂર્વ)ના દેશોમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે સમગ્ર વિશ્વ જ્યારે ક્રૂડ ઓઇલ અને ઊર્જા સંકટના ઓછાયા હેઠળ છે, ત્યારે ભારત માટે એક ખૂબ જ રાહતજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને ઊંડા દરિયામાં કુદરતી ગેસનો એક મોટો ભંડાર શોધવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠે આવેલા મહાનદી બેસિનના ઊંડા જળક્ષેત્રમાંથી આ કુદરતી ગેસનો વિશાળ સ્ત્રોત મળી આવ્યો છે, જે દેશની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે માઇલસ્ટોન સાબિત થશે.

ઓડિશા તટથી 43 કિમી દૂર ’28’ નંબરના કૂવામાંથી સતત પ્રવાહ

સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ, ઓડિશાના દરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૂર ઊંડા સમુદ્રમાં આ અન્વેષણ કરવામાં આવ્યું હતું. ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ ’28’ તરીકે ચિહ્નિત કરાયેલા કૂવામાંથી ગેસનો મોટો જથ્થો મળ્યો હતો. મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી આ કૂવામાંથી અવિરતપણે ઉત્તમ દબાણ અને ઉચ્ચ ગતિ સાથે કુદરતી ગેસ બહાર આવી રહ્યો છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં ગેસનું પ્રમાણ ઘણું મોટું હોઈ શકે છે.

‘સમુદ્ર મંથન અભિયાન’ની પ્રથમ જ્વલંત સિદ્ધિ

કેન્દ્ર સરકારે દેશના ઊંડા દરિયાઈ વિસ્તારોમાંથી તેલ અને ગેસના છુપાયેલા ભંડારો શોધવા માટે જુલાઈ મહિનામાં રૂ. ૮૪,૦૮૪ કરોડના જંગી બજેટ સાથે ‘સમુદ્ર મંથન અભિયાન’ (૨૦૩૦-૩૧ સુધી) શરૂ કર્યું હતું. આ મિશન હેઠળ ૨૫ જુલાઈના રોજ મહાનદી બેસિનમાં કૂવાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બેસિનમાં આયોજિત ચાર મુખ્ય કૂવાઓ પૈકીનો આ પ્રથમ કૂવો હતો, જેમાં શરૂઆતી તબક્કામાં જ અપેક્ષા કરતાં ઘણી મોટી સફળતા મળી છે.

અબજો ડોલરના વિદેશી હૂંડિયામણની બચત થશે

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર રહે છે. આ નવો ગેસ ભંડાર મળવાથી આગામી સમયમાં દેશના ગેસ અને તેલ આયાત બિલમાં મોટો ઘટાડો થશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. હાલ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા આ કૂવામાં રહેલા કુલ રિઝર્વ (જથ્થા)નું મૂલ્યાંકન અને તેના વ્યાવસાયિક ઉત્પાદન (Commercial Production) અંગેની ગણતરી ચાલી રહી છે.

હરદીપ સિંહ પુરીનું નિવેદન: આત્મનિર્ભર ભારત તરફ મહત્વનું ડગલું

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સિદ્ધિને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં આ જ વિસ્તારમાં ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ ગેસ ક્ષેત્રોની શોધ થઈ ચૂકી છે. હવે આ નવી શોધ સાથે તમામ ક્ષેત્રોને સંકલિત (Integrated) સુવિધાઓ સાથે જોડીને ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે ગેસનું ઉત્પાદન શરૂ કરી શકાશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder