નવી દિલ્હી

ભારતનું વિદેશી દેવું વધીને $778.2 અબજને પાર: ફોરેક્સ રિઝર્વ કરતાં દેવું વધતાં અર્થતંત્ર સામે ચિંતા, RBI નો રિપોર્ટ

ભારતનું વિદેશી દેવું વધીને $778.2 અબજને પાર: ફોરેક્સ રિઝર્વ કરતાં દેવું વધતાં અર્થતંત્ર સામે ચિંતા, RBI નો રિપોર્ટ

India External Debt,

નવી દિલ્હી:

દેશના અર્થતંત્રને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા તાજા ડેટામાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરના અંત સુધીમાં ભારતનું કુલ વિદેશી દેવું વધીને 778.2 અબજ યુએસ ડૉલર (અંદાજે ₹65 લાખ કરોડથી વધુ) ની સપાટીએ પહોંચી ગયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે દેશનું આ કુલ બાહ્ય દેવું હવે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserves) કરતાં પણ વધી ગયું છે.

ફોરેક્સ રિઝર્વ કરતાં $15 અબજ વધુ દેવું

RBI ના તાજેતરના રિપોર્ટ અનુસાર, 18 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરા થયેલા સપ્તાહ સુધીમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 765.901 અબજ ડૉલર નોંધાયું હતું. તેની સામે દેશનું કુલ વિદેશી દેવું 778.2 અબજ ડૉલરે પહોંચતાં હવે આપણું દેવું વિદેશી મુદ્રા ભંડાર કરતાં અંદાજે 15 અબજ ડૉલર વધારે થઈ ગયું છે. માર્ચ 2026 ક્વાર્ટરની સરખામણીએ જૂન ક્વાર્ટર દરમિયાન વિદેશી દેવામાં સીધો 15.4 અબજ ડૉલરનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

GDP રેશિયોમાં આંશિક રાહત, ડૉલરની મજબૂતીથી ફાયદો

દેવામાં વધારો થયો હોવા છતાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ની સરખામણીએ દેવાનો ગુણોત્તર (Debt to GDP Ratio) જૂન 2026 ના અંતે ઘટીને 20.8 ટકા રહ્યો છે, જે 31 માર્ચ 2026 ના રોજ 20.9 ટકા હતો. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે યુરો અને યેન સામે યુએસ ડૉલર મજબૂત બનવાને પગલે ભારતને 90 કરોડ ડૉલરનો વેલ્યુએશન ગેઇન થયો હતો. જો આ કરન્સી વેલ્યુએશનનો લાભ ન મળ્યો હોત તો દેશના વિદેશી દેવામાં ₹15.4 અબજને બદલે ₹16.4 અબજનો જંગી વધારો નોંધાયો હોત.

દેવામાં કોનો કેટલો હિસ્સો?

  • લાંબા ગાળાનું દેવું: ભારત પર સૌથી વધુ 624.7 અબજ ડૉલરનું દેવું એક વર્ષથી વધુ સમયગાળાનું (લાંબા ગાળાનું) છે, જે માર્ચ ક્વાર્ટર કરતાં 11.2 અબજ ડૉલર વધુ છે.
  • ટૂંકા ગાળાનું દેવું: એક વર્ષ કે તેથી ઓછી મુદતવાળા ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો વધીને 19.7 ટકા થયો છે. વિદેશી મુદ્રા ભંડાર સામે આ ટૂંકા ગાળાના દેવાનો ગુણોત્તર 21.6 ટકાથી વધીને 23 ટકા થયો છે.
  • કરન્સી મુજબ સ્થિતિ: ભારતના કુલ વિદેશી દેવામાં સૌથી મોટો 54.8 ટકા હિસ્સો યુએસ ડૉલરમાં છે. ત્યારબાદ ભારતીય રૂપિયામાં 29.8 ટકા, જાપાની યેનમાં 6.9 ટકા અને યુરોમાં 3.5 ટકા હિસ્સો છે.
  • કેટેગરી મુજબ વિભાજન: વિદેશી દેવાના મુખ્ય સ્ત્રોતોમાં લોન અને ધિરાણનો હિસ્સો 34.3 ટકા, કરન્સી અને ડિપોઝિટ્સ 22.2 ટકા, ટ્રેડ ક્રેડિટ 19.1 ટકા અને ડેટ સિક્યોરિટીઝ 16.5 ટકા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder