
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના મોટા ગજાના નેતાઓ શહેરોથી લઈ ગામડાં સુધી સક્રિય બની પોતાના પક્ષના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ રાજકીય ગતિશીલતામાં પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવાની સૌથી મોટી જવાબદારી પત્રકારિતાની બને છે.
પત્રકારિતા માત્ર સમાચાર પહોંચાડવાનો વ્યવસાય નથી, પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સત્ય, નિષ્પક્ષતા અને પ્રજાહિતનું પ્રતિનિધિત્વ કરવાનો પવિત્ર ધર્મ છે. આજે જ્યારે “ગોદી મીડિયા” જેવી માનસિકતા વિશે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સાચી પત્રકારિતાની ઓળખ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. કોઈપણ પક્ષની ચાપલૂસી કે પ્રભાવ હેઠળ આવીને સમાચાર રજૂ કરવું પત્રકારિતાની આત્માને આંચકો પહોંચાડે છે.


આ સમય એવો છે કે પત્રકારોએ તટસ્થ, નિડર અને નિષ્પક્ષ બનીને માત્ર સત્યને જ પ્રકાશમાં લાવવું જોઈએ. પ્રજાને પ્રભાવિત નહીં પરંતુ માહિતગાર કરવી એ જ સાચી પત્રકારિતાની ઓળખ છે. ચૂંટણી દરમ્યાન ખોટી માહિતી, અફવા કે પક્ષપાતી અહેવાલોથી દૂર રહીને, દરેક ઉમેદવાર અને પક્ષ વિશે સંતુલિત અને તથ્યઆધારિત માહિતી આપવી એ જરૂરી છે. પ્રજા ચિંતક પત્રકારિતાનો અર્થ છે – પ્રજાના પ્રશ્નોને અવાજ આપવો, તેમની સમસ્યાઓને પ્રકાશમાં લાવવી અને સત્તાધીશો સામે જવાબદારી ઉભી કરવી. મતદારોને સાચી દિશામાં વિચાર કરવા પ્રેરિત કરવું, રાષ્ટ્રહિત અને લોકહિતને પ્રાથમિકતા આપવી એ જ પત્રકારિતાની સાચી સેવા છે. આજના સમયમાં એકતા અને સંવાદની જરૂરિયાત છે. પત્રકારોએ સમાજમાં વિભાજન નહીં પરંતુ જોડાણ લાવવાનું કાર્ય કરવું જોઈએ. સત્ય સાથેનું પરફેક્ટ રિપોર્ટિંગ અને પવિત્રતા જાળવી રાખીને જ પત્રકારિતા તેની વિશ્વસનીયતા ફરી પ્રાપ્ત કરી શકે છે. અંતમાં, લોકશાહીને મજબૂત બનાવવા માટે નિડર અને નિષ્પક્ષ પત્રકારિતા અનિવાર્ય છે. જ્યારે પત્રકાર સત્યના માર્ગે અડગ રહે છે, ત્યારે જ પ્રજાનો વિશ્વાસ જીવંત રહે છે અને દેશની લોકશાહી વધુ મજબૂત બને છે.



