ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરી છે. લજાઈ પાસે થયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
ટંકારા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૨૩૮, ૩૫૧(૨) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ મર્ડરનો ગુનો નોંધાયો હતો. આ ગંભીર ગુનાની તપાસમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા અને તેમની ટીમ કામે લાગી હતી.
પોલીસે કેવી રીતે ઝડપ્યો આરોપીને?
પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ગણતરીની કલાકોમાં જ આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (ઉ.વ. ૪૦, રહે. હાલ લજાઈ-ભિમનાથ રોડ, સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડી, મૂળ રહે. મોરબી સનાળા બાયપાસ) ને શોધી કાઢ્યો હતો. આરોપી વ્યવસાયે મજૂરી અને રિક્ષા ડ્રાઈવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
