ભારતની સાંસ્કૃતિક ચેતના માત્ર વર્તમાનની ઘટનાઓથી નથી રચાતી, પરંતુ તે હજારો વર્ષોના ઇતિહાસ, પરંપરાઓ અને તે વ્યક્તિત્વોની વિરાસત પર આધારિત છે જેણે આ ભૂમિને વિચાર, આસ્થા અને નીતિથી આકાર આપ્યો.
તાજેતરમાં ગાંધીનગરના કોબામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘સમ્રાટ સંપ્રતિ જૈન મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન આ ઐતિહાસિક અવિરતતાની એક મહત્વની ક્ષણ છે. આ માત્ર એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન નથી, પરંતુ તે ઐતિહાસિક વિરાસતને ફરીથી કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ છે, જેને સમયની સાથે મર્યાદિત કરી દેવામાં આવી હતી.
સમ્રાટ સંપ્રતિ. એક એવા શાસક, જે ભારતીય ઇતિહાસમાં કદાચ હાંસિયા પર રાખવામાં આવ્યા છે, પરંતુ જૈન પરંપરામાં અત્યંત ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક જેવા સમ્રાટોની છાયામાં વિકસેલા આ વંશના એક અન્ય મહત્વના શાસક હતા. સમ્રાટ સંપ્રતિ, જેમને જૈન પરંપરામાં ‘જૈન અશોક’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ અશોકના પૌત્ર હતા અને મૌર્ય સામ્રાજ્યના પાંચમા સમ્રાટ તરીકે આશરે 224 ઈ.સ. પૂર્વથી 215 ઈ.સ. પૂર્વ સુધી શાસન કર્યું હતું.
સંપ્રતિનો જન્મ કુણાલના ઘરે થયો હતો, જે અશોકના પુત્ર હતા. કુણાલની આંખો અંધ થવાને કારણે સિંહાસનની દોડમાં તેઓ પાછળ રહી ગયા, પરંતુ તેમના પુત્ર સંપ્રતિમાં યોદ્ધા અને પ્રશાસક બંનેના ગુણો હતા. જૈન ગ્રંથો અનુસાર અશોકે જ સંપ્રતિને ભાવિ ઉત્તરાધિકારી તરીકે જોયા હતા. તેઓ મુખ્યત્વે અવંતિમાંથી (ઉજ્જૈન) શાસન સંભાળતા હતા અને સામ્રાજ્યના પશ્ચિમી તથા દક્ષિણી ભાગો પર મજબૂત નિયંત્રણ રાખતા હતા.
સંપ્રતિને જૈન સાહિત્યમાં ‘જૈન પરંપરાના અશોક’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપાધિ માત્ર સન્માનસૂચક નથી, પરંતુ તેમના કાર્યોનો સંકેત પણ છે. જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે તેમણે હજારો જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું અને જૈન સાધુઓને વિવિધ વિસ્તારોમાં મોકલીને ધર્મનો પ્રચાર કરાવ્યો.
જૈન સ્ત્રોતો અનુસાર તેમણે 1,50,000 જૈન મંદિરો (દેરાસર અથવા જિનાલય) બનાવડાવ્યાં, 36,000 જૂના મંદિરોનું જીર્ણોદ્ધાર કરાવ્યું અને 1.25 કરોડથી વધુ જૈન પ્રતિમાઓ સ્થાપિત કરાવી. કેટલીક કથાઓમાં આ સંખ્યા વધુ પણ બતાવવામાં આવી છે.
જૈન સમુદાયમાં સંપ્રતિનું સ્થાન અત્યંત વિશેષ છે. તેમને માત્ર એક ઐતિહાસિક શાસક તરીકે જ નહીં, પરંતુ ધર્મરક્ષક તરીકે જોવામાં આવે છે. જૈન સાહિત્યમાં તેમને દાન, અહિંસા અને ધર્મ પ્રચારના આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
આ અવસરે જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે વડા પ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું કે કોરોના કાળથી લઈને યુદ્ધના સમય સુધી, પીએમ મોદીએ હંમેશા દેશવાસીઓની ચિંતા કરી છે.
પીએમ મોદી દ્વારા ભારતની પ્રાચીન ધાર્મિક-દાર્શનિક પરંપરાઓને ફરીથી રાષ્ટ્રીય વિમર્શમાં સ્થાપિત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
