mumbai

ઉર્વશી રૌતેલાએ અમેરિકન AI કંપની સામે માંડ્યો મોરચો: મંજૂરી વિના નામ અને તસવીરો વાપરવા બદલ રૂ. 7,000 કરોડના નુકસાની વળતરની માંગ

ઉર્વશી રૌતેલાએ અમેરિકન AI કંપની સામે માંડ્યો મોરચો: મંજૂરી વિના નામ અને તસવીરો વાપરવા બદલ રૂ. 7,000 કરોડના નુકસાની વળતરની માંગ

Urvashi Rautela,

મુંબઈ:

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના પર્સનાલિટી રાઇટ્સ (Personality Rights) ના કથિત ઉલ્લંઘન મામલે અમેરિકા સ્થિત એક જાણીતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની સામે આકરા કાનૂની પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રીની લીગલ ટીમે દાવો કર્યો છે કે લોસ એન્જિલિસ સ્થિત આ કંપનીએ ઉર્વશીની પૂર્વ મંજૂરી વગર તેના નામ, તસવીરો અને વીડિયોનો ગેરકાયદે ઉપયોગ કરીને મોટો આર્થિક નફો રળ્યો છે. આ ગેરરીતિ સામે ઉર્વશીએ કંપની પાસેથી અંદાજે ₹7,000 કરોડ ($800+ મિલિયનથી વધુ) ના જંગી વળતરની માંગ સાથે અદાલતના દરવાજા ખખડાવ્યા છે.

પરવાનગી વિના બિઝનેસ ઊભો કરવાનો ગંભીર આક્ષેપ

ઉર્વશી રૌતેલા અને તેની ટીમે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન શેર કરીને જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કે કંપની કલાકારની સંમતિ વગર તેની ઓળખ કે ફેસ વેલ્યુનો વ્યવસાયિક ઉપયોગ કરી શકે નહીં. પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી હતી કે, “તમારો પોતાનો બિઝનેસ અને બ્રાન્ડ ઊભી કરો, પરંતુ જ્યાં સુધી ઉર્વશીની લેખિત પરવાનગી ન હોય ત્યાં સુધી તેના નામ કે ચહેરાનો ઉપયોગ કરવાનું બંધ કરો.” જોકે, કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાથી અભિનેત્રીની ટીમે હાલ સંબંધિત અમેરિકન કંપનીના નામની જાહેરાત કરી નથી.

બોલિવૂડમાં AI અને પર્સનાલિટી રાઇટ્સની ચિંતા વધી

હાલના આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી ડીપફેક અને ફેક કન્ટેન્ટ બનાવી સેલિબ્રિટીઝની છબીનો દુરુપયોગ કરવાની ઘટનાઓ ખૂબ વધી રહી છે. આ અગાઉ અનિલ કપૂર, અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો પણ પોતાના વોઇસ અને પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે હાઇકોર્ટના શરણે જઈ ચૂક્યા છે. ઉર્વશી રૌતેલા દ્વારા માંગવામાં આવેલું ₹7,000 કરોડનું વળતર ભારતીય મનોરંજન જગતમાં AI વિવાદ અંતર્ગત અત્યાર સુધીનો સૌથી મોટો દાવો માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા તાજેતરમાં રણદીપ હૂડા સાથેની સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2’ તેમજ અક્ષય કુમારની મલ્ટિ-સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder