ઉજ્જૈન

ઉજ્જૈનમાં શાહી મસ્જિદનું દબાણ હટાવવા મુદ્દે મોડી રાત્રે ભારે હોબાળો: ટોળા પર ટીયરગેસ અને વોટર કેનનનો મારો, અર્ધલશ્કરી દળો તૈનાત

ઉજ્જૈનમાં શાહી મસ્જિદનું દબાણ હટાવવા મુદ્દે મોડી રાત્રે ભારે હોબાળો: ટોળા પર ટીયરગેસ અને વોટર કેનનનો મારો, અર્ધલશ્કરી દળો તૈનાત

Ujjain, Shahi Masjid,

ઉજ્જૈન:

મધ્યપ્રદેશના ઐતિહાસિક અને પવિત્ર ધાર્મિક નગર ઉજ્જૈનમાં વર્ષ ૨૦૨૮માં યોજાનારા ભવ્ય ‘સિંહસ્થ કુંભમેળા’ના આયોજન પૂર્વે હાથ ધરાયેલી માર્ગ વિસ્તરણ અને દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીના માર્ગ પર આવેલી ઐતિહાસિક શાહી મસ્જિદના માર્ગમાં આવતા દબાણવાળા ભાગને હટાવવાની કામગીરી શરૂ થાય તે પહેલાં જ ગઈકાલે મોડી રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતાં અને પોલીસ સાથે ઘર્ષણ થતાં ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા તેમજ વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. સંવેદનશીલ પરિસ્થિતિને જોતાં સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળો (પેરામિલિટ્રી ફોર્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સિંહસ્થ મેળા માટે ૯૦૦ મીટરનો માર્ગ ૧૫ મીટર પહોળો કરવાનું આયોજન

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ૨૦૨૮ના સિંહસ્થ કુંભમેળા દરમિયાન દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ મહાકાલની નગરીમાં ઉમટી પડવાના છે. તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા કંઠાલ ચોકથી ગોપાલ મંદિર વચ્ચેના ૯૦૦ મીટર લાંબા માર્ગને ૧૫ મીટર જેટલો પહોળો કરવો અત્યંત જરૂરી છે. આ કામગીરી અંતર્ગત રસ્તાની હદમાં આવતા તમામ ધાર્મિક સ્થળોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. અગાઉ ગત મહિને બડે હનુમાન મંદિર હટાવવા મુદ્દે પણ વિવાદ અને તણાવ સર્જાયો હતો, જેને તંત્ર દ્વારા યોગ્ય સમજાવટથી દૂર કરાયો હતો. હિન્દુ ધર્મસ્થાનો દૂર કરાયા બાદ આ જ માર્ગ પર આવેલી શાહી મસ્જિદનો અમુક આગળનો ભાગ હટાવવાની તૈયારી હાથ ધરાઈ હતી.

તંત્ર સાથેની સમજાવટ બાદ અચાનક સ્થિતિ પલટાઈ

મળતી વિગતો મુજબ, વહીવટી તંત્ર દ્વારા જેસીબી, પોકલેન્ડ મશીનો અને કાફલા સાથે કાર્યવાહી શરૂ કરતાં પહેલાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. એક તબક્કે સમાજના આગેવાનો સહમત થયા હતા અને મસ્જિદ કમિટી ખુદ તંત્રની સાથે રહીને આગળનો દબાણવાળો હિસ્સો દૂર કરશે તેવી ખાતરી અપાતાં લોકો વિખેરાયા હતા. પરંતુ મધરાત બાદ અચાનક પરિસ્થિતિ પલટાઈ હતી અને હજારો લોકો મસ્જિદ પરિસર તથા રસ્તાઓ પર એકત્ર થઈ સરકારી કાર્યવાહી રોકવા માટે સૂત્રોચ્ચાર અને વિરોધ કરવા લાગ્યા હતા.

અશ્રુવાયુ અને વોટર કેનનનો પ્રયોગ: વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા છાવણી

તંત્ર દ્વારા ટોળાને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા વારંવાર અપીલ કરવામાં આવી હતી, પરંતુ માહોલ વધુ તંગ બનતાં અને ઘર્ષણ સર્જાતાં પોલીસે ટોળાને વિખેરવા માટે અશ્રુવાયુ (ટીયરગેસ) ના ગોળા છોડ્યા હતા અને વોટર કેનન વડે પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતાં વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવો તણાવ પ્રવર્તી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder