અમદાવાદ:
ગુજરાતના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રખડતા ઢોરની સાથે સાથે રખડતા શ્વાનનો આતંક સામાન્ય નાગરિકો માટે જીવલેણ મુસીબત બની ચૂક્યો છે. સમગ્ર દેશમાં શ્વાન કરડવાના કેસોમાં ગુજરાત ટોપ-૫ રાજ્યોની યાદીમાં સામેલ થયું હોવાનો ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યભરમાં વાર્ષિક સરેરાશ ૧.૫૦ લાખથી વધુ નિર્દોષ નાગરિકો શ્વાનનો શિકાર બને છે, એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ ૭૦૦ જેટલા ડોગ બાઇટના કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ વિકટ અને ભયાનક સ્થિતિ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં એક જ વર્ષમાં કેસોમાં ૩૦ ટકાનો ઉછાળો: રોજના ૧૦૦ થી વધુ બનાવ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટનાઓ ચિંતાજનક ઝડપે વધી રહી છે. માત્ર એક જ વર્ષના ગાળામાં શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં ૩૦ ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ અમદાવાદમાં પ્રતિદિન સરેરાશ ૧૦૦ થી વધુ લોકો શ્વાન કરડવાથી સિવિલ કે મ્યુનિસિપલ હોસ્પિટલોમાં એન્ટી-રેબીઝ રસી લેવા પહોંચી રહ્યા છે. રાત્રિના સમયે સોસાયટીના નાકા કે જાહેર માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ પર શ્વાનના ઝૂંડ હુમલો કરતા હોવાની ફરિયાદો સામાન્ય બની ગઈ છે.
૫ વર્ષમાં ૩.૧૪ લાખ લોકોને શ્વાને બચકાં ભર્યા: વર્ષવાર ચોંકાવનારા આંકડા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આરોગ્ય ડેટા પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩.૧૪ લાખથી વધુ લોકો શ્વાન કરડવાનો ભોગ બન્યા છે:
- ૨૦૨૧–૨૨: ૫૦,૬૬૮ કેસ
- ૨૦૨૨–૨૩: ૫૮,૧૨૫ કેસ
- ૨૦૨૩–૨૪: ૬૭,૭૯૦ કેસ
- ૨૦૨૪–૨૫: ૭૯,૯૦૯ કેસ
- ૨૦૨૫–૨૬: ૭૭,૦૧૯ કેસ
- (નોંધ: વર્ષ ૨૦૨૬ માં ફેબ્રુઆરી માસ સુધીમાં જ ૮,૩૫૪ કેસ નોંધાઈ ચૂક્યા છે)
ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ, છતાં સંખ્યા ઘટવાને બદલે વધી!
શહેરમાં રખડતા શ્વાનની વસ્તી નિયંત્રણમાં રાખવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૨થી એનજીઓ અને ખાનગી એજન્સીઓ મારફતે મોટા પાયે ‘ખસીકરણ અભિયાન’ (એનિમલ બર્થ કંટ્રોલ) શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્રએ એવો દાવો કર્યો હતો કે આગામી ૧૦ વર્ષમાં અમદાવાદમાંથી રખડતા શ્વાનની સમસ્યા શૂન્ય થઈ જશે. વર્ષ ૨૦૧૯ના સર્વે મુજબ શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા ૨,૧૦,૦૦૦ આંકવામાં આવી હતી. આ કામગીરી પાછળ અત્યાર સુધીમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હોવા છતાં, જમીની વાસ્તવિકતા એ છે કે શ્વાનની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. તંત્રના કાગળ પર ચાલતા ખસીકરણ પ્રોજેક્ટ અને તેની અસરકારકતા સામે હવે નાગરિકોમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.