દુબઈ

ફ્લાયદુબઈ પ્લેનમાં હાઈજેકિંગ કોડ ટ્રિગર થતાં ઈઝરાયેલમાં હાઈ એલર્ટ: ફાઈટર જેટ્સ રવાના, વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ

ફ્લાયદુબઈ પ્લેનમાં હાઈજેકિંગ કોડ ટ્રિગર થતાં ઈઝરાયેલમાં હાઈ એલર્ટ: ફાઈટર જેટ્સ રવાના, વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ

Flydubai Flight Diverted

દુબઈ:

દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની એક ફ્લાઈટમાં તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે વિમાનમાંથી શંકાસ્પદ ‘હાઈજેકિંગ’ ઈમરજન્સી કોડ ટ્રાન્સમિટ થયો હતો. આ સિગ્નલ મળતાં જ ઈઝરાયેલી એરફોર્સે તાબડતોબ ફાઈટર જેટ્સ હવામાં રવાના કરી દીધા હતા. જોકે, પાછળથી આ ઘટના કોઈ આતંકી હુમલો કે હાઈજેકિંગ ન હોવાની પુષ્ટિ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. 170થી વધુ મુસાફરો ભરેલા આ વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી સુરક્ષિત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

બોઈંગ 737 વિમાનમાં ‘7500’ કોડ ટ્રિગર થયો

મળતી વિગતો મુજબ, ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 (Boeing 737 MAX 8) 174 મુસાફરો (જેમાં 27 બાળકો સામેલ હતા) સાથે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ તરફ જઈ રહી હતી. ફ્લાઇટ દરમિયાન અચાનક જનરલ ઈમરજન્સી કોડ ‘7700’ ટ્રાન્સમિટ થયો અને ત્યારપછી તરત જ ‘7500’ કોડ સક્રિય થયો હતો. એવિએશન પ્રોટોકોલ મુજબ ‘7500’ કોડનો અર્થ વિમાનમાં ગેરકાયદેસર દખલગીરી અથવા સંભવિત ‘હાઈજેકિંગ’ ગણાય છે.

ઊંચાઈ ઘટી અને વિમાન સાઉદી તરફ વળ્યું

ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, કોડ સક્રિય થયા બાદ વિમાન તેની નિયત ઊંચાઈ પરથી ઝડપથી નીચે આવી આશરે 15,000 ફૂટ પર પહોંચી ગયું હતું અને તેણે ઈઝરાયેલ તરફ જવાનો રૂટ બદલી સાઉદી અરેબિયા તરફ વળાંક લીધો હતો. ઈઝરાયેલની સરહદ તરફ આવી રહેલા વિમાનમાંથી હાઈજેક સિગ્નલ મળતાં જ ઈઝરાયેલ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.

નેતન્યાહૂની ઈમરજન્સી બેઠક અને ફાઈટર જેટ્સ સ્ક્રૅમ્બલ

સુરક્ષા સંકટની ગંભીરતાને ધ્યાને રાખીને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે તાત્કાલિક ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. સંભવિત ખતરાને પહોંચી વળવા એરફોર્સના ફાઈટર જેટ્સ આકાશમાં તૈનાત કરી દેવાયા હતા અને થોડા સમય માટે બેન ગુરિયન એરપોર્ટ પરથી અન્ય ફ્લાઈટ્સની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

કોકપિટમાં પાઈલટો વચ્ચે ઝઘડાની ચર્ચા

બાદમાં ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય અને સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટતા કરી હતી કે વિમાનમાં કોઈ હાઈજેકિંગની ઘટના બની નથી. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોકપિટની અંદર પાઈલટો વચ્ચે કોઈ મુદ્દે થયેલી ઝપાઝપી કે તકરારના કારણે ઈમરજન્સી બટન દબાઈ ગયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે ફ્લાયદુબઈ કે યુએઈ (UAE) એવિએશન ઓથોરિટી તરફથી તપાસ ચાલી રહી છે. વિમાનનું તબૂક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરો હેમખેમ બચી ગયા હતા.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder