પોરબંદર

ગીર બાદ હવે બરડો ગર્જશે: સિંહોના ‘બીજા ઘર’ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગનું નવેસરથી પુનઃગઠન

ગીર બાદ હવે બરડો ગર્જશે: સિંહોના ‘બીજા ઘર’ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગનું નવેસરથી પુનઃગઠન

Barda Dungar Lions Gujarat

પોરબંદર:

ગુજરાતની ઓળખ અને વિશ્વભરમાં ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સુરક્ષા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને દૂરોગામી પગલું ભર્યું છે. ગીરના જંગલો બાદ હવે પોરબંદર નજીક આવેલા ઐતિહાસિક બરડા ડુંગરને સિંહોના કાયમી અને સુરક્ષિત ‘બીજા ઘર’ (Second Home) તરીકે વિકસાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્રને નવો આકાર આપવામાં આવ્યો છે. પોરબંદર વન વિભાગના માળખાનું સંપૂર્ણ પુનઃગઠન કરીને જંગલ અને વન્યજીવ વ્યવસ્થાપનને હાઈટેક અને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.

143 વર્ષ પછી થયેલી સિંહની વાપસી બની વળાંક

બરડાના જંગલોમાં સિંહોની હાજરીનો ઈતિહાસ ઘણો જૂનો છે. જોકે લાંબા સમય સુધી સિંહો અહીંથી ગાયબ રહ્યા બાદ જાન્યુઆરી 2023માં એક ઐતિહાસિક ઘટના ઘટી હતી. આશરે 143 વર્ષના લાંબા અંતરાલ બાદ એક નર એશિયાટિક સિંહે કુદરતી રીતે બરડા અભયારણ્યમાં પુનઃપ્રવેશ કર્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારે સિંહોના કુદરતી પ્રસરણ (Natural Dispersal) અને સુરક્ષિત વસવાટ માટે બરડા મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો હતો, જેને હવે સંપૂર્ણ વહીવટી પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.

વહીવટી માળખામાં શું મોટા ફેરફારો થયા?

જંગલ વિસ્તારની સુરક્ષામાં કોઈ ત્રુટિ ન રહે તે માટે પોરબંદર વન વિભાગમાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા છે:

  • નવી રેન્જ અને બીટ રચના: પોરબંદર અને રાણાવાવ રેન્જની તમામ રેન્જ અને બીટ વ્યવસ્થાનું આધુનિક ઢબે પુનઃઆયોજન કરવામાં આવ્યું છે.
  • વિસ્તારનું જોડાણ: કલ્યાણપુર-ભાટિયા રેન્જમાંથી 305.94 હેક્ટર જેટલો મહત્વનો વન વિસ્તાર હવે ભાણવડ રેન્જમાં સમાવી લેવામાં આવ્યો છે.
  • સામાજિક વનીકરણનો સમાવેશ: કુતિયાણા સહિતની બે સામાજિક વનીકરણ રેન્જને સીધી પોરબંદર વન વિભાગ હેઠળ લાવીને વહીવટ વધુ કેન્દ્રીકૃત કરાયો છે.
  • ઉચ્ચ અધિકારીઓની નિમણૂક: મોનિટરિંગ અને ઝડપી નિર્ણયો માટે બે નવા ‘મદદનીશ વન સંરક્ષક’ (ACF) ની જગ્યાઓ કાર્યરત કરવામાં આવી છે, જેથી ગ્રાઉન્ડ લેવલની સુરક્ષા વધુ સઘન બનશે.

શિકાર આધાર (Prey Base) વધારવા ખાસ તૈયારી

બરડામાં સિંહો લાંબા ગાળા સુધી સ્થાયી રહે તે માટે માત્ર વહીવટ જ નહીં, પરંતુ ઈકોસિસ્ટમને પણ બેલેન્સ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા અગાઉ ગીરના જંગલોમાંથી ચિતલ અને સાબર જેવા તૃણભક્ષી પ્રાણીઓને બરડામાં લાવીને સફળતાપૂર્વક વસાવવામાં આવ્યા છે, જેથી સિંહોને સરળતાથી કુદરતી શિકાર મળી રહે. આ સાથે જ માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા અને સ્થાનિક માલધારીઓ તેમજ ગ્રામજનો સાથે સુમેળ જળવાય તે દિશામાં પણ ચોક્કસ આયોજન ગોઠવાયું છે.

આ નવા વહીવટી માળખાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રહેશે અને બરડા ડુંગર ગીરની જેમ જ એશિયાટિક સિંહોનું ગૌરવશાળી આશ્રયસ્થાન બનીને ઉભરી આવશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder