પુણે:
મહારાષ્ટ્રના પુણે સ્થિત જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર અને ૨૬ વર્ષીય યુવા બિલ્ડર કેતન અગ્રવાલના ઐતિહાસિક લોહાગઢ કિલ્લા પરથી પડી જવાના રહસ્યમય મોત મામલે અત્યંત સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. અત્યાર સુધી અકસ્માત કે આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરાયેલા આ કેસમાં એક મુખ્ય ચક્ષુદર્શી (આઇ-વિટનેસ) સાક્ષી સામે આવ્યો છે. આ સાક્ષીએ પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ રૂંવાડા ઊભા કરી દેતો ખુલાસો કર્યો છે કે કેતનને કિલ્લાની ઊંડી ખાઈમાં ધક્કો મારતો તેણે પોતાની નજરે જોયો હતો. આ ષડયંત્રમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના ગુપ્ત પ્રેમી ચેતન ચૌધરીની સીધી સંડોવણી ખુલ્લી પડી છે.

ચક્ષુદર્શીનો આંખે દેખ્યો અહેવાલ: ‘પહેલાં મંગેતરે લાત મારી, પછી પ્રેમીએ ખાઈમાં ધકેલ્યો’
સાક્ષીના નિવેદન અનુસાર, તે બનાવના દિવસે પોતાના મિત્રના પરિવાર સાથે લોહાગઢ કિલ્લાના પ્રવાસે ગયો હતો. કિલ્લાના પગથિયાં ચડતી વખતે તેણે કેતન, તેની મંગેતર સિયા અને તેમની પાછળ ચાલી રહેલા ચેતનને જોયા હતા. ધોમધખતા ઉનાળામાં પણ ચેતને હૂડી પહેરેલી હોવાથી તેની વિચિત્ર વર્તણૂક સાક્ષીના ધ્યાને ચડી ગઈ હતી. કિલ્લાની ટોચ પર પહોંચ્યા બાદ સાક્ષીએ જોયું કે સિયાએ કેતનના પગ પર જોરથી લાત મારીને તેનું સંતુલન બગાડ્યું હતું અને તે જ ક્ષણે પાછળથી દોડી આવેલા ચેતને કેતનને સેંકડો ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો.
સાક્ષીને આપી હતી નીચે ફેંકી દેવાની ધમકી
હત્યા કર્યા બાદ આરોપી ચેતને ત્યાં હાજર સાક્ષીને જોઈ લીધો હતો અને તાત્કાલિક તેની પાસે આવીને ધમકી આપી હતી કે, “જો આ અંગે કોઈને પણ મોં ખોલ્યું છે તો તને પણ આ જ રીતે કિલ્લા પરથી નીચે ફેંકી દઈશ.” આ ભયાનક દ્રશ્ય અને ધમકીથી ડરી ગયેલો સાક્ષી ચૂપચાપ ઘેર પહોંચ્યો હતો અને ગભરાટના કારણે તેને તાવ પણ આવી ગયો હતો. જોકે, પાંચ દિવસ બાદ ટીવી અને અખબારોમાં કેતનના શંકાસ્પદ મોત અંગેના અહેવાલો જોઈને તેણે અંતરાત્માના અવાજે પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો.
૫,૦૫૩ પાનાની ચાર્જશીટ અને ૧૨ TB ડિજિટલ પુરાવા
પુણે ગ્રામીણ પોલીસે સમગ્ર મામલે અત્યંત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ત્રણ મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે અને કોર્ટમાં ૫,૦૫૩ પાનાની વિશાળ ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે આરોપીઓ સામે ટેકનિકલ પુરાવાનો પહાડ ઊભો કર્યો છે:
- ૧૨ TB ટેકનિકલ ડેટા: ૬ મોબાઈલ ફોન, ૯ પેન ડ્રાઈવ, ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ (CDR) નું ફોરેન્સિક એનાલિસિસ કરાયું.
- ગૂગલ પર સર્ચ કરી પુરાવા મિટાવવાની રીતો: આરોપીઓએ આઈફોનમાંથી ડેટા અને ચેટ્સ કાયમી ડિલીટ કેવી રીતે કરવી તેમજ ફોરેન્સિક તપાસથી કેવી રીતે બચવું તે અંગે ગૂગલ સર્ચ કર્યું હોવાના ડિજિટલ પુરાવા પણ પોલીસના હાથે લાગ્યા છે.
પોલીસની ચુસ્ત ચાર્જશીટ અને આઇ-વિટનેસના પર્દાફાશ બાદ હવે આ હાઈપ્રોફાઈલ લવ-ટ્રાયેન્ગલ મર્ડર કેસમાં બંને આરોપીઓ સામે ગાળિયો વધુ મજબૂત બન્યો છે.