રાજકોટ

બ્લેક મન્ડે જેવો માહોલ: ક્રૂડમાં ઉછાળાથી ભારતીય શેરબજાર ધડામ, કિંમતી ધાતુઓમાં ભારે નરમાઈ વચ્ચે રૂપિયો ગગડ્યો

બ્લેક મન્ડે જેવો માહોલ: ક્રૂડમાં ઉછાળાથી ભારતીય શેરબજાર ધડામ, કિંમતી ધાતુઓમાં ભારે નરમાઈ વચ્ચે રૂપિયો ગગડ્યો

Share Market Crash

રાજકોટ:

વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભડકા વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય નાણાકીય બજારોમાં ચારેતરફ જોરદાર કડાકો જોવા મળ્યો છે. શેરબજારનો કચ્ચરઘાણ વળી ગયો હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં પડ્યા છે. તેની સાથે કરન્સી માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ સર્જાઈ છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ફરી ભડકે બળ્યા છે, જેની સીધી નકારાત્મક અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે.

બ્રેન્ટ ક્રૂડ ફરી $106 ને પાર, વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ભય

આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં સપ્લાય ખોરવાઈ જવાની આશંકાએ ક્રૂડમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૬.૯૪ ડોલરની સપાટી વટાવી ગયું છે, જ્યારે ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડ પણ ૯૪.૦૮ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરની પાર પહોંચતાં ભારત જેવા આયાતકાર દેશો માટે કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને ફુગાવાનું જોખમ ફરી એકવાર ગંભીર બની ગયું છે.

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો: ચાંદી ₹૫,૫૫૫ તૂટી

બીજી તરફ, કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓમાં અનપેક્ષિત અને મોટો કડાકો બોલી ગયો છે:

  • વૈશ્વિક સોનું: આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું એક જ દિવસમાં ૮૮ ડોલર તૂટીને ૪૨૦૦ ડોલરની મહત્વપૂર્ણ ટેકાની સપાટી નીચે સરકીને ૪૧૯૬ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું.
  • ઘરેલુ વાયદા બજાર (MCX): ભારતીય વાયદા બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨,૬૯૫ ના જંગી ઘટાડા સાથે ૧,૪૮,૧૮૫ ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
  • ચાંદીમાં કડાકો: ચાંદીના ભાવમાં પણ પ્રચંડ ધોવાણ જોવા મળ્યું હતું અને તે એક જ ઝાટકે રૂ. ૫,૫૫૫ તૂટી ગઈ હતી, જેના લીધે રોકાણકારો અને જ્વેલર્સમાં સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે.

ડોલર સામે રૂપિયો લથડ્યો: ₹૯૫.૯૫ ની સપાટીએ પહોંચ્યો

ક્રૂડમાં સતત તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની જોરદાર વેચવાલીના કારણે ભારતીય રૂપિયામાં પણ મોટું ગાબડું પડ્યું છે. કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ૯૫.૯૫ ના અત્યંત નબળા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો નબળો પડવાથી આયાતી વસ્તુઓ વધુ મોંઘી થવાની અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધવાની શક્યતાઓ પ્રબળ બની છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder