gujarat gujarat સુરત

સુરત શ્યામ સંગીની માર્કેટમાં ૨૫ કરોડની ભીષણ આગનો ભેદ ઉકેલાયો: માસિક ₹૧૦,૦૦૦ ના વિવાદમાં પૂર્વ એકાઉન્ટન્ટે પેટ્રોલ છાંટીને માર્કેટ સળગાવ્યું!

સુરત શ્યામ સંગીની માર્કેટમાં ૨૫ કરોડની ભીષણ આગનો ભેદ ઉકેલાયો: માસિક ₹૧૦,૦૦૦ ના વિવાદમાં પૂર્વ એકાઉન્ટન્ટે પેટ્રોલ છાંટીને માર્કેટ સળગાવ્યું!

Surat News

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અતિ પ્રખ્યાત ‘શ્યામ સંગીની માર્કેટ’માં તાજેતરમાં લાગેલી ભીષણ આગ પાછળ કોઈ અકસ્માત નહીં પરંતુ એક સનસનાટીભર્યા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અગ્નિકાંડમાં વેપારીઓને અંદાજે રૂપિયા ૨૫ કરોડનું મોટું આર્થિક નુકસાન થયું હતું. સુરત પોલીસે આ કેસનો પર્દાફાશ કરીને પેટ્રોલ છાંટીને આખી માર્કેટને આગને હવાલે કરનાર આરોપી વિનોદ સાવલેની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે.

Surat News
Surat News

માત્ર ₹૧૦,૦૦૦ ના બાકી પગારના વિવાદમાં આચરી હોનારત

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી વિનોદ સાવલે અગાઉ શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે આવેલી ‘જગદંબા’ નામની કાપડની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેને માસિક ₹૩૦,૦૦૦ પગાર મળતો હતો. કોઈ કારણોસર તેણે આ નોકરી છોડી દીધી હતી, પરંતુ તેના ₹૧૦,૦૦૦ બાકી નીકળતા હોવાથી દુકાન માલિક સાથે અવારનવાર વિવાદ થતો હતો.

આ નાનકડા વિવાદમાં આરોપીના મનમાં એવી અદાવત જાગી કે તેણે દુકાનદારને આર્થિક રીતે બરબાદ કરી નાખવાનો કૌભાંડપૂર્વકનો પ્લાન બનાવ્યો.

રાત્રિના અંધારામાં પેટ્રોલ છાંટીને માર્કેટ સળગાવ્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે દેવધ ગામના એક પેટ્રોલ પંપ પરથી માત્ર ₹૧૦૦ થી ₹૧૫૦ નું પેટ્રોલ ખરીદ્યું હતું. ત્યારબાદ તે મોડી સાંજે જ માર્કેટમાં આવીને છુપાઈ ગયો હતો. મધ્યરાત્રિએ ૧૨:૦૦ વાગ્યા પછી જ્યારે માર્કેટમાં અવરજવર બંધ થઈ ગઈ, ત્યારે તેણે છઠ્ઠા માળે આવેલી દુકાનની બહાર મૂકેલા કાપડ અને સામાન પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સુરતથી અયોધ્યા સુધી ભાગતો રહ્યો અને અંતે ડિંડોલીમાં જાળમાં ફસાયો

આગની ઘટના બાદ જ્યારે સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, ત્યારે આરોપી ગભરાઈ ગયો હતો. પોતાની ધરપકડથી બચવા માટે તે ફિલ્મી ઢબે ભાગતો રહ્યો:

  1. તે સૌથી પહેલા સુરતથી ભાગીને રાજસ્થાન પહોંચ્યો અને ત્યાં બે દિવસ રોકાયો.
  2. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા તે અયોધ્યા જતો રહ્યો અને ત્યાં ૩ દિવસ સુધી રોકાયો.
  3. અયોધ્યાથી પોતાના વતને ગયો અને ફરી પાછો રાજસ્થાન આવ્યો.
  4. અંતે સ્થિતિ થાળે પડી હોવાનું માનીને તે ગઈકાલે ગુપચુપ સુરત પરત ફર્યો હતો.

જોકે, સુરત પોલીસની ટીમ તેની સતત રેકી કરી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે પોલીસે તેને ડિંડોલી ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન પાસે થી ઘેરાબંધી કરીને દબોચી લીધો છે. હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder