રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પંથકમાં ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામો સામે પોલીસે કડક કાર્યવાહી તેજ બનાવી છે. શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે વેરાવળગામના ગણેશનગર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર ઓચિંતો દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૯ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપત્તા સહિત કુલ રૂ. ૧,૫૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સચોટ ઓપરેશન
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જુગાર-દારૂ જેવી બદીઓ ડામવા આપેલી કડક સૂચનાઓ અન્વયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાની સીધી દેખરેખ હેઠળ શાપર (વેરાવળ) પોલીસ ટીમને ગણેશનગરમાં ચાલતા આ અડ્ડા અંગે ચોક્કસ બાતમી મળી હતી.
ઘરમાં ચાલતી હતી ખાસ ‘જુગાર ક્લબ’
તપાસ દરમિયાન સામે આવ્યું કે, વેરાવળગામ ગણેશનગરમાં રહેતા ચનાભાઈ શકરાભાઈ જાદવ પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી ખેલીઓને પોતાના ઘરે બોલાવતા હતા. ત્યાં લાઈટ, પંખા, પીવાના પાણી અને જુગાર રમવાની તમામ સુવિધાઓ પૂરી પાડી નિયમિત નાલ (કમિશન) ઉઘરાવી ગંજીપત્તાની હારજીતનો મોટો જુગાર રમાડતા હતા. પોલીસે ઘેરાબંધી કરી અચાનક છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામ ૧૯ શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
કબજે કરાયેલ મુદ્દામાલની વિગત:
- કુલ રોકડ રકમ: રૂ. ૯૪,૪૦૦ (ખેલીઓ પાસેથી રૂ. ૯૨,૩૦૦ + નાલના રૂ. ૨,૧૦૦)
- મોબાઈલ ફોન: ૧૨ નંગ (કિંમત રૂ. ૫૬,૦૦૦)
- ગંજીપત્તા: ૧૦૪ નંગ પાના
- કુલ મુદ્દામાલ: રૂ. ૧,૫૦,૪૦૦
આ સફળ કામગીરી શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. રાણા, પી.એસ.આઈ. વી.જી. જેઠવા, એ.એસ.આઈ. ડી.આર. સરવૈયા સહિતના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. ઔદ્યોગિક પંથકમાં પોલીસના આ સપાટાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.