gujarat રાષ્ટ્રીય

મુંબઈના કાલાચોકીમાં ગણેશોત્સવમાં મોટો અકસ્માત: વીજ કરંટ લાગતાં 8 વર્ષની માસૂમ બાળકી સહિત 2ના મોત!

મુંબઈના કાલાચોકીમાં ગણેશોત્સવમાં મોટો અકસ્માત: વીજ કરંટ લાગતાં 8 વર્ષની માસૂમ બાળકી સહિત 2ના મોત!

મુંબઈમાં ગણેશ પંડાલમાં વીજળીનો આંચકો

મુંબઈ: મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી ચાલી રહી છે તેવામાં કાલાચોકી વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાલાચોકી વિસ્તારમાં આવેલા ગણેશ મંડપ નજીક મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે કરંટ ફેલાતા દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ કમનસીબ અકસ્માતમાં 8 વર્ષની માસૂમ બાળકી અને એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મોડી રાત્રે 2:00 વાગ્યે સર્જાયો અકસ્માત મળેલી માહિતી અનુસાર, ઘટના મોડી રાત્રે અંદાજે 2:20 વાગ્યાની આસપાસ બની હતી. કાલાચોકીના લાલબાગ વિસ્તારમાં આવેલા પંડાલ્સ નજીક શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન મંડપના પ્રવેસ દ્વાર અથવા કૂલ ડ્રિંક્સ સ્ટેન્ડ પાસે અચાનક વીજ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં લાઈવ ઈલેક્ટ્રિક કરંટ ફેલાઈ ગયો હતો. કરંટ ફેલાતાં જ ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

8 વર્ષની રાગિણીએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડ્યો ઘટના બની ત્યારે 8 થી 20 વર્ષની વયના શ્રદ્ધાળુઓ તેની અસર હેઠળ આવી ગયા હતા. 8 વર્ષની બાળકી રાગિણી ઘનશ્યામ યાદવ ને ગંભીર હાલતમાં મસીના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સિવાય ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સુજાતા નામની 33 વર્ષીય મહિલાએ પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.

4 લોકો ICUમાં જિંદગી અને મૌત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ દુર્ઘટનામાં ઘવાયેલા અન્ય 4 શ્રદ્ધાળુઓમાં કિરણ નાઈક (19 વર્ષ), તન્વી હાંડે (19 વર્ષ), સાહિલ તારે (19 વર્ષ) અને રુહી સિંહ (12 વર્ષ) નો સમાવેશ થાય છે. 12 વર્ષની રુહી સિંહની હાલત અત્યંત નાજુક હોવાથી તેને ગ્લોબલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય દર્દીઓની પણ તબીબી દેખરેખ હેઠળ ગંભીર સારવાર ચાલી રહી છે.

પોલીસ અને BMC દ્વારા તપાસ શરુ ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક કાલાચોકી પોલીસ અને BMC ના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખીને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. બેસ્ટ (BEST) ના ટેકનિકલ અધિકારીઓ દ્વારા મંડપ નજીકના હંગામી કનેક્શન અને વાયરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ગણેશોત્સવના આ પવિત્ર તહેવારમાં આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર કાલાચોકી અને લાલબાગ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder