જો તમે આગામી દિવસોમાં પરિવાર સાથે એરપોર્ટ પર જઈને ઇન્ડિગો (IndiGo) ની ફ્લાઇટમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ભારતીય એવિએશન સેક્ટરમાં સૌથી મોટો માર્કેટ શેર ધરાવતી દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગોએ મુસાફરોની મુસાફરીને સીધી અસર કરતા વિવિધ ટ્રાવેલ ચાર્જિસમાં મોટો વધારો ઝીંક્યો છે. નાના બાળકોના ભાડાથી માંડિતે વધારાના લગેજ અને અનએકમ્પાઇન્ડ માઇનર (એકલા મુસાફરી કરતા સગીર) ના હેન્ડલિંગ ચાર્જ સુધીના તમામ સ્તરે ભાવવધારો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય પ્રવાસીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.

- બે વર્ષથી નીચેના બાળકોના મુસાફરી ચાર્જમાં વધારો: ઇન્ડિગો એરલાઇન્સના આંકડા મુજબ દર વર્ષે અંદાજે 10 લાખ જેટલા નાના બાળકો આ ફ્લાઇટ્સમાં મુસાફરી કરતા હોય છે. કંપનીએ બે વર્ષથી નીચેની વયના બાળ-મુસાફરોના (Infant) ચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે. રિપોર્ટ મુજબ આ ચાર્જ અગાઉના સમયની સરખામણીમાં વધારી દેવામાં આવ્યા છે, જેનાથી એરલાઇનની વાર્ષિક આવકમાં કરોડો રૂપિયાનો વધારો થવાનો અંદાજ છે. ફ્લાઇટમાં નાના બાળકને લઈને પ્રવાસ કરવો હવે વધુ ખર્ચાળ બનશે.
- વધારાના બેગેજ અને પ્રાયોરિટી ચેક-ઇન પર મોંઘવારીની માર: માત્ર ટિકિટ કે બાળકના ચાર્જ જ નહીં, પરંતુ સામાન સાથે મુસાફરી કરતા પ્રવાસીઓને પણ મોટો ઝટકો લાગ્યો છે:
- જો મુસાફરના સામાનનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હશે, તો હવે પ્રતિ કિલોગ્રામ વધારાના રૂા. 800 ચૂકવવા પડશે, જે અગાઉ રૂા. 700 હતા.
- એરપોર્ટ પર લાંબી કતારોમાંથી બચીને ઝડપથી કામ પતાવવા માટેના ‘પ્રાયોરિટી ચેક-ઇન-બેગેજ’ નો ચાર્જ રૂા. 450 થી વધારીને સીધો રૂા. 650 કરી દેવામાં આવ્યો છે.
- સગીર બાળકો (Unaccompanied Minors) અને સર્ટિફિકેટ ફી મોંઘી: જો કોઈ પરિવારમાં સગીર બાળક કોઈ વગર સાથીએ (એકલા) વિમાનમાં મુસાફરી કરતું હોય, તો તેના હેન્ડલિંગ માટે એરલાઇન દ્વારા વસૂલવામાં આવતી ફીમાં પણ વધારો કરાયો છે. આવા સગીર મુસાફરો માટેનો હેન્ડલિંગ ચાર્જ અગાઉ રૂા. 5,000 હતો, જેમાં રૂા. 999 નો વધારો કરીને હવે તેને રૂા. 5,999 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના ટ્રાવેલ સર્ટિફીકેટ ફી રૂા. 200 થી વધારીને રૂા. 300 કરી દેવામાં આવી છે.
- ચાર્જ વધારવા પાછળ એરલાઇનનું શું છે કારણ? ઇન્ડિગો મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં વૈશ્વિક સ્તરે અને સ્થાનિક બજારમાં એરલાઇનના ઓપરેશનલ કોસ્ટ (સંચાલન ખર્ચ) સતત વધી રહ્યા છે. ખાસ કરીને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (વિમાની ઇંધણ) ના ભાવોમાં થતી અસ્થિરતા અને સતત વધારાને કારણે વિમાનના ઉડ્ડયન ખર્ચ ખૂબ જ વધી ગયા છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે જ એરલાઇનને આ ફરજિયાત ભાવવધારો કરવો પડ્યો છે.
આ નવા દરો લાગુ થઈ જવાથી હવે પ્રવાસીઓએ ટિકિટ બુક કરતી વખતે અને એરપોર્ટ પર વધારાની સુવિધાઓ લેતી વખતે વધુ નાણાં ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.