રાષ્ટ્રીય

બાળકોના પાસપોર્ટના નિયમોમાં મોટો ફેરફાર: ૧૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે ૫ વર્ષની માન્યતા, જાણો નવા દરો

બાળકોના પાસપોર્ટના નિયમોમાં મોટો ફેરફાર: ૧૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે ૫ વર્ષની માન્યતા, જાણો નવા દરો

નવી દિલ્હી:
જો તમે પણ તમારા બાળકો સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો કે બાળકોનો પાસપોર્ટ કઢાવવા વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વિદેશ મંત્રાલયે (MEA) ‘પાસપોર્ટ (સંશોધન) નિયમો, ૨૦૨૬’ જાહેર કરીને પાસપોર્ટના નિયમો અને ફીના માળખામાં મોટા ફેરફારો કર્યા છે.
નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે પાસપોર્ટની માન્યતા (Validity) અને ફી અંગે નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
📌 બાળકોના પાસપોર્ટની વેલિડિટીનો નવો નિયમ
નવા નિયમ (Rule 12(1A)) અનુસાર:

..

  • ૧૫ વર્ષથી નાની વયના બાળકોને આપવામાં આવતો ૩૬ પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે ઇશ્યૂ થયાની તારીખથી ૫ વર્ષ માટે અથવા તો બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે.
  • શું ધ્યાન રાખવું? આ બંનેમાંથી જે સમયગાળો પહેલા પૂરો થશે, તે મુજબ પાસપોર્ટ એક્સપાયર માનવામાં આવશે. (દા.ત. જો બાળકની ઉંમર ૧૪ વર્ષની હોય ત્યારે પાસપોર્ટ કઢાવવામાં આવે, તો તે ૫ વર્ષને બદલે બાળક ૧૮ વર્ષનું થતાં જ એટલે કે ૪ વર્ષમાં જ એક્સપાયર થઈ જશે).
    💸 પાસપોર્ટ ફીમાં પણ થયો તોતિંગ વધારો
    સરકારે પાસપોર્ટ સંબંધિત વિવિધ સેવાઓ અને ચાર્જિસમાં પણ સુધારો કર્યો છે:
  • સગીરો (Minors) માટે: ૧૮ વર્ષથી નાની વયના બાળકો માટે ૩૬ પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે ₹૧,૭૫૦ (અગાઉ ₹૧,૦૦૦) માં બનશે. જ્યારે તત્કાલ સ્કીમ હેઠળ ફી ₹૩,૦૦૦ રહેશે.
  • મોટાઓ (Adults) માટે: સામાન્ય ૩૬ પાનાના પાસપોર્ટની ફી ₹૧,૫૦૦થી વધીને ₹૨,૫૦૦ અને ૬૦ પાનાના જમ્બો પાસપોર્ટની ફી ₹૨,૦૦૦થી વધીને ₹૩,૫૦૦ થઈ ગઈ છે.
  • તત્કાલ સેવા: એડલ્ટ ૩૬ પાનાના તત્કાલ પાસપોર્ટ માટે હવે ₹૩,૫૦૦ને બદલે ₹૫,૦૦૦ ચૂકવવા પડશે.
    🎁 કોને મળશે ૧૦% ની છૂટ?
    રાહતની વાત એ છે કે ૮ વર્ષથી ઓછી વયના બાળકો અને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નવા પાસપોર્ટની અરજી પર મળતી ૧૦ ટકાની ડિસ્કાઉન્ટ સ્કીમ યથાવત રાખવામાં આવી છે. જોકે, આ છૂટ પાસપોર્ટ રિ-ઇશ્યૂ (Re-issue) કે રિન્યુઅલ વખતે મળશે નહીં.
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder