


આરીફ દિવાન વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થાની જ નહીં, પરંતુ માનવતાની ફરજ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. તા. 24-07-2026ના રોજ રાજ્ય ભરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો, ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં જોખમી સ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર સતત એલર્ટ રહ્યું હતું. વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ કર્મચારી ઓએ દિવસ-રાત ફરજ બજાવી લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર પીઆઈ પી.આર. સોલંકીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને જનજાગૃતિની કામગીરી હાથ ધરી હતી.ખાસ કરીને ચંદ્રપુર વિસ્તારમાં આવેલા નાળા તથા હોખરા નિશાળ વિસ્તાર પાસે વરસાદી પાણીના પ્રવાહને કારણે

જોખમ ઊભું થતાં ત્યાંથી પસાર થતા લોકોને સુરક્ષિત રાખવા માટે જમાદાર ભોજરાજસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેશ્માબેન સૈયદ સતત વરસાદ વચ્ચે પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા. બંનેએ જોખમી વિસ્તારમાં લોકોને પ્રવેશતા અટકાવી તેમની સલામતી સુનિશ્ચિત કરી હતી.નાના હોદ્દા પર રહીને પણ મોટી જવાબદારી અને માનવતાભર્યું કાર્ય કરનાર મહિલા કોન્સ્ટેબલ રેશ્માબેન સૈયદએ સાબિત કર્યું કે પોલીસની સાચી ઓળખ માત્ર કાયદાના અમલમાં નહીં, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની રક્ષા અને સેવા કરવામાં પણ છે. તેમની આ નિષ્ઠા અને સેવાભાવ પોલીસ વિભાગ માટે ગૌરવની બાબત બની છે.વરસાદી સંકટ વચ્ચે પોલીસની આવી સેવાભાવી કામગીરીએ લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે અને ખાખી પ્રત્યે સન્માનની લાગણી વધારી છે. ખરેખર, આવા કર્મનિષ્ઠ પોલીસ કર્મચારીઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

