


મોરબી રિપોર્ટ,આમદશા શાહમદાર મોરબી:”શહેનશાહે મોરબી, વહે સાહી દબદબા તેરા, કભી માયૂસ નહીં હોતા માંગને વાલા તેરા…” જેવી અકીદતમંદોની ગુંજ સાથે મોરબીના આરાધ્ય સૂફી સંત હઝરત કુતુબ બાવા અહેમદશાહ સરકાર (રહમતુલ્લાહ અલૈહ)ના પવિત્ર ઉર્સ મુબારકને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, ભક્તિ અને તૈયારીઓનો માહોલ જામ્યો છે. મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજના લોકોમાં પણ આ પવિત્ર અવસરને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ રવિવાર, 19 જુલાઈ 2026 (3 સફર)ના રોજ ઉર્સ મુબારક ભવ્ય અને શાનદાર રીતે ઉજવાશે. કાર્યક્રમ અનુસાર સાંજે 4:00 વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા એહલેબેતની ઉપસ્થિતિમાં દરગાહ પર સંદલપોશી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. ભાઈઓ માટે ન્યાજની વ્યવસ્થા બાવા અહેમદશાહ દરગાહ મેદાન ખાતે તથા બહેનો માટે મેમણ સમાજના જમાતખાના, મેમણ શેરી ખાતે અલગથી કરવામાં આવી છે.
રાત્રે 10:30 વાગ્યે આધ્યાત્મિક માહોલમાં વાઈજ શરીફનો નૂરાની જલસો યોજાશે, જેમાં બાવા અહેમદશાહ મસ્જિદના પેશ ઈમામ નજીરમિયા બાપુ બુખારી પોતાની અસરકારક અને પ્રેરણાદાયી તકરીર દ્વારા ઇસ્લામના શાંતિ, પ્રેમ, માનવતા અને ભાઈચારાના સંદેશને ઉજાગર કરશે.ઉર્સ મુબારક ના આ પાવન અવસર પર આશિકા એ બાવા અહેમદશાહ ગ્રુપ તથા બાવા અહેમદશાહ મસ્જિદ-દરગાહ ટ્રસ્ટ દ્વારા તમામ હિન્દુ-મુસ્લિમ સહિત સર્વ સમાજના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે



.ઉર્સ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સૂફી પરંપરાના પ્રેમ, સહિષ્ણુતા, સેવા અને માનવ એકતાના મૂલ્યોનું જીવંત પ્રતિક છે. મોરબીમાં વર્ષોથી ઉજવાતો આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવ વિવિધ સમાજોને એક મંચ પર લાવી ગંગા-જમુની સંસ્કૃતિ, પરસ્પર સન્માન અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવે છે. ધર્મ, જાતિ કે પંથના ભેદભાવથી ઉપર ઉઠીને લોકો અહીં માથું ટેકવા આવે છે અને પોતાની મનોકામનાઓ માટે દુઆ કરે છે. આ જ કારણે હઝરત કુતુબ બાવા અહેમદશાહ (ર.અ.)ની દરગાહ સર્વ સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર તરીકે ઓળખાય છે.
આવતા ઉર્સ મુબારકને લઈને સમગ્ર મોરબીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને હજારો અકીદતમંદોની હાજરી વચ્ચે આ પવિત્ર પર્વ શાંતિ, ભાઈચારો, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ આપશે.
