મોરબી

અષાઢી બીજે ભક્તિ સાથે માનવતાનો મહામેળ: શોભાયાત્રા વચ્ચે જનાજાને માન આપી એકતાનો જીવંત સંદેશ

અષાઢી બીજે ભક્તિ સાથે માનવતાનો મહામેળ: શોભાયાત્રા વચ્ચે જનાજાને માન આપી એકતાનો જીવંત સંદેશ

વાંકાનેર/મોરબી, તા. 16 જુલાઈ: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં ભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. પરંપરાગત માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રાઓમાં હજારો ભાવિકો ડીજેના તાલ, ભજન-કીર્તન, જયઘોષ અને ધર્મધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દરમિયાન એક એવી ઘટના બની, જેણે માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં પરંતુ માનવતા અને કોમી એકતાના મૂલ્યોને પણ ઉજાગર કર્યા. શોભાયાત્રા પોતાના માર્ગે આગળ વધી રહી હતી ત્યારે સામેથી મુસ્લિમ સમાજના એક મૈયતનો જનાજો આવી પહોંચ્યો. તે ક્ષણે શોભાયાત્રામાં જોડાયેલા આગેવાનો, ભાવિકો અને ડીજે સંચાલકોએ તરત જ સંગીત બંધ કરી દીધું અને સમગ્ર માનવમેદનીએ મૌન પાળી જનાજાને સન્માનપૂર્વક પસાર થવાનો માર્ગ આપ્યો. થોડી ક્ષણો માટે સમગ્ર વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ હતી. એક તરફ ભક્તિનો ઉત્સવ હતો તો બીજી તરફ મૃત્યુ પામેલા વ્યક્તિ પ્રત્યેની અંતિમ શ્રદ્ધાંજલિ. બંને સમાજના લોકોએ પરસ્પર સમજદારી અને સંવેદનશીલતા દાખવી, જે ભારતીય સંસ્કૃતિના “સર્વધર્મ સમભાવ”ના મૂલ્યોને જીવંત કરતી ઘટના બની.આ દૃશ્યે સ્પષ્ટ કર્યું કે સાચો ધર્મ માત્ર ઉજવણીમાં નથી, પરંતુ માનવતાના પાલનમાં છે. વિવિધ ધર્મો, પરંપરાઓ અને માન્યતાઓ હોવા છતાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું એ જ ભારતની સાંસ્કૃતિક તાકાત છે.

આ પ્રસંગે હાજર લોકોએ જણાવ્યું કે આવા સંવેદનશીલ અને સૌહાર્દપૂર્ણ વર્તનથી સમાજમાં વિશ્વાસ વધે છે અને નવી પેઢીને પણ એકતા, સહિષ્ણુતા અને પરસ્પર આદરનો સુંદર સંદેશ મળે છે.
અષાઢી બીજનો આ પ્રસંગ માત્ર ધાર્મિક શોભાયાત્રા પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ માનવતા, પરસ્પર સન્માન અને કોમી એકતાનો જીવંત પાઠ બની રહ્યો. આજના સમયમાં જ્યારે સમાજને વિભાજિત કરવાના પ્રયાસો થતી ચર્ચાઓ વચ્ચે આવી ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતની ધરતી પર પ્રેમ, ભાઈચારો અને માનવતા આજે પણ એટલી જ મજબૂત રીતે ધબકે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder