


વાંકાનેર:રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો 45મો વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારોહ ઉત્સાહ અને સહકારની ભાવના સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો, પશુપાલકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર દૂધ ઉત્પાદકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે મંડળી દ્વારા વર્ષ 2024-25ના નફામાંથી 5.25 ટકા બોનસ જાહેર કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મંડળીના પ્રમુખ હુશેન નુરમામદભાઈના અધ્યક્ષસ્થા ને યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન મંડળીએ અંદાજે રૂ. 17,20,250નો નફો નોંધાવ્યો હતો. તેમાંથી સભાસદોને કુલ રૂ. 9 લાખનો બોનસ ફાળવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.




કાર્યક્રમ દરમિયાન વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પશુપાલકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જેમાં:સૌથી વધુ દૂધ ભરાવનાર, સૌથી વધુ ફેટ ધરાવતું દૂધ આપનાર, સૌથી વધુ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદક,સૌથી વધુ બોનસ મેળવનાર સહિત કુલ પાંચ સભ્યોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું.સહકારથી સમૃદ્ધિ તરફનું પ્રેરણાદાયી મોડેલ દૂધ સહકારી મંડળીઓ માત્ર દૂધના વેચાણ-ખરીદીનું કેન્દ્ર નથી, પરંતુ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવતી મહત્વપૂર્ણ સંસ્થાઓ છે. સભાસદોને નફામાંથી બોનસ આપવાની પરંપરા સહકારી ચળવળને વધુ સશક્ત બનાવે છે. બીજી તરફ શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકોનું જાહેર સન્માન અન્ય પશુપાલકોને પણ ગુણવત્તાયુક્ત અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રેરણા આપે છે. રાણેકપર દૂધ મંડળીનો 45મો વાર્ષિક મહાસમારોહ સહકાર, પારદર્શિતા, પશુપાલકોના સન્માન અને ગ્રામ વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો છે.

