રાષ્ટ્રીય

મુંબઈમાં મહોરમની રેલીમાં ‘સામૂહિક ઝેર’ આપવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ: ૧૪,૯૦૦ ઝેરી કેપ્સ્યુલ સાથે પુણેનો શખ્સ ઝડપાયો

મુંબઈમાં મહોરમની રેલીમાં ‘સામૂહિક ઝેર’ આપવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ: ૧૪,૯૦૦ ઝેરી કેપ્સ્યુલ સાથે પુણેનો શખ્સ ઝડપાયો

Screenshot

મુંબઈ:

મુંબઈના ભાયખલા વિસ્તારમાં મહોરમના જુલૂસ (સરઘસ) દરમિયાન હજારો લોકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનું એક અત્યંત ચોંકાવનારું અને ભયાનક કાવતરું મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક ૩૯ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી અંદાજે ૧૪,૯૦૦ જેટલી ઝેરી કેપ્સ્યુલ જપ્ત કરી છે. આ કેપ્સ્યુલમાં ઉંદર મારવાની અત્યંત ઝેરી દવા ‘ઝિંક ફોસ્ફાઈડ’ (Zinc Phosphide) ભરેલી હોવાનું સામે આવ્યું છે.

પેઇન કિલર અને ઇમ્યુનિટી બૂસ્ટર કહીને વહેંચતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું નામ ફૈયાઝ પ્રેમજી છે, જે મૂળ પુણેનો રહેવાસી છે. તે મુંબઈની એક હોટલમાં રોકાયો હતો અને તેણે ઓનલાઇન ૩૦,૦00 ખાલી કેપ્સ્યુલ અને ૫૦ કિલો ઝિંક ફોસ્ફાઈડ મંગાવ્યું હતું. મહોરમના જુલૂસમાં માતમ મનાવતા અને શરીર પર ઇજા પહોંચાડતા લોકોને તે “આ પેઇન કિલર (દર્દનિવારક) અને ઇમ્યુનિટી બૂસ્ટર દવા છે, જેનાથી દુખાવો મટી જશે” તેમ કહીને મફતમાં આ કેપ્સ્યુલ વહેંચી રહ્યો હતો.

આ રીતે થયો ભાંડોસ્ફોટ

જુલૂસમાં સામેલ એક વ્યક્તિએ આ કેપ્સ્યુલ ગળી લીધા બાદ તેને અચાનક ઉલટીઓ અને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોને શંકા જતાં તેમણે મુંબઈ પોલીસને એલર્ટ કરી હતી. બીજી તરફ, સરઘસમાં હાજર એક મહિલાને પણ આ શખ્સની હિલચાલ પર શંકા ગઈ હતી. તેણે કેપ્સ્યુલ ખોલીને જોતાં અંદર લાલ રંગનો પાવડર દેખાયો હતો, જેથી તેણે તુરંત ત્યાં તૈનાત પોલીસકર્મીઓને જાણ કરી હતી. પોલીસે સમય સૂચકતા વાપરીને આરોપી ફૈયાઝને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો.

૧૫,૦૦૦ લોકોને ટાર્ગેટ કરવાનો હતો પ્લાન

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે આ કેપ્સ્યુલ દ્વારા અંદાજે ૧૫,૦૦૦ લોકોને ટાર્ગેટ કરવા માંગતો હતો. જો પોલીસે સમયસર આ કાવતરું ન ઝડપ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ કેપ્સ્યુલ ખાવાથી ૧૧ જેટલા લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલ હતા, પરંતુ તબીબી સારવાર બાદ હવે તમામ લોકો જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શનની આશંકા: પોલીસ તપાસ તેજ

આરોપી ફૈયાઝ પ્રેમજી કમ્પ્યુટર એપ્લિકેશન (BBA) ગ્રેજ્યુએટ છે અને પુણેમાં તેના પિતાની પેઇન્ટ બનાવવાની ફેક્ટરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના મોબાઈલમાંથી ઈરાન અને ઈરાકના કેટલાક શંકાસ્પદ નંબરો મળી આવ્યા છે, જો કે પ્રાથમિક રીતે તે તેના પરિવારના સભ્યોના હોવાનું કહેવાય છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમ આ મામલે કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કે અન્ય કોઈ સંગઠનનો હાથ છે કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder