મોરબી

માતૃત્વને અંતિમ વિદાય: સાંસદ પૂનમબેન માડમે માતાને કાંધ આપી સમાજ માટે સંવેદનાનો સંદેશ આપ્યો

માતૃત્વને અંતિમ વિદાય: સાંસદ પૂનમબેન માડમે માતાને કાંધ આપી સમાજ માટે સંવેદનાનો સંદેશ આપ્યો

જામનગર-દ્વારકાના સાંસદ પુનમબેન માડમ ના માતુશ્રી દિનાબેનના અવસાનથી સમગ્ર જામનગર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવાર માટે આ અત્યંત દુઃખદ ક્ષણે પૂનમબેને પોતાની માતાની અંતિમ યાત્રામાં કાંધ આપી માત્ર પુત્રીધર્મ જ નહીં, પરંતુ સમાજ માટે સંવેદના, સમાનતા અને પરિવારિક મૂલ્યોનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
નવાગામ સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના આગેવાનો અને નાગરિકોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પુત્રીઓ બદલતી પરંપરાઓનું પ્રતિક ગુજરાતી સમાજમાં વર્ષો સુધી અંતિમ વિધિમાં પુરુષોની ભૂમિકા વધુ જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પુત્રીઓ પણ માતા-પિતાની અંતિમ વિધિમાં આગળ આવી રહી છે.

પૂનમબેન માડમે માતાને કાંધ આપીને એ જ બદલાતી વિચારસરણીને વધુ મજબૂત બનાવી છે.
આ ઘટના માત્ર એક રાજકીય વ્યક્તિના પરિવારનો પ્રસંગ નથી, પરંતુ એ સંદેશ આપે છે કે સંતાન તરીકેની જવાબદારીમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ નથી. જીવનભર સંતાનોને સંસ્કાર આપનારી માતાને અંતિમ વિદાય આપતી પુત્રીનું આ દૃશ્ય અનેક લોકો માટે ભાવુક અને પ્રેરણાદાયી બન્યું હતું. ગુરુવારે જામનગરમાં બેસણું માડમ પરિવાર દ્વારા ગુરુવારે સાંજે જામનગર ખાતે બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સગા-સંબંધીઓ, શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહી દિવંગત દિનાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
દિનાબેનના અવસાનથી માડમ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કપરી ઘડીએ સમગ્ર જામનગર અને રાજકીય જગત પરિવાર સાથે સંવેદનાપૂર્વક ઉભું છે. દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder