મોરબી:
લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે મોરબીના લૂંટાવદર ગામમાંથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. ગામના ૧૦૦ વર્ષના એક વૃદ્ધ દંપતીએ સાથે મળીને મતદાન કરી યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લૂંટાવદર ગામના રહેવાસી એવા આ વયોવૃદ્ધ દંપતીની ઉંમર ૧૦૦ વર્ષ છે. શારીરિક અશક્તતા હોવા છતાં, લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજીને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. આ ઉંમરે પણ તેમની આંખોમાં જે ચમક અને મતદાન પ્રત્યેનો જે ઉત્સાહ હતો, તે જોઈને ત્યાં હાજર અન્ય મતદારો અને ચૂંટણી અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
યુવા પેઢી માટે શીખ:
મતદાન કર્યા બાદ આ દંપતીએ જણાવ્યું હતું કે, “દેશના ઘડતર માટે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. દરેક નાગરિકે ઘરની બહાર નીકળીને પોતાનો કિંમતી મત આપવો જોઈએ.”
૧૦૦ વર્ષના આ દંપતીનો આ જઝબો સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા પામી રહ્યો છે. જ્યારે યુવા મતદારો ઘણીવાર આળસ કરતા હોય છે, ત્યારે આ વૃદ્ધ દંપતીએ સાબિત કરી દીધું છે કે લોકશાહીને મજબૂત બનાવવા માટે ઉંમર ક્યારેય બાધ ન બની શકે.
