રાજકોટ: મેટોડા
સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ હોટલ કે પાર્ટીઓમાં ધામધૂમથી ઉજવતા હોય છે, પરંતુ રાજકોટના એક યુવા ઉદ્યોગપતિએ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌતમ ટેકનોકાસ્ટના શ્રી અક્ષયભાઈ પ્રફુલ્લભાઈ ધામીના જન્મદિવસ નિમિત્તે ડેકોરા ભવન, મેટોડા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉનાળાની અછત વચ્ચે સેવાનું અમૃત
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઓછું થતું હોય છે અને બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે. આવા કપરા સમયે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી અને રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તેવા શુભ આશય સાથે આ કેમ્પ યોજાયો હતો. અક્ષયભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જન્મદિવસની ઉજવણી સાદગી અને સેવાકાર્ય દ્વારા જ કરે છે.
140 બોટલ રક્ત સિવિલ હોસ્પિટલને અર્પણ
આ કેમ્પમાં દાતાઓના ઉત્સાહને કારણે કુલ 140 બોટલ રક્ત એકત્રિત કરી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે અક્ષયભાઈ વર્ષમાં બે વખત આવા કેમ્પનું આયોજન કરે છે અને કેમ્પની શરૂઆતથી અંત સુધી પોતે હાજર રહી રક્તદાતાઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
સહયોગીઓ અને ટીમ
આ સેવાકીય પ્રવૃત્તિમાં ગૌતમ ટેકનોકાસ્ટના શ્રી પ્રફુલ્લભાઈ ધામી, શ્રી શિશકાન્તંભાઈ જાવિયા, શ્રી વિશાલભાઈ જાવિયા તથા સમગ્ર સ્ટાફ પરિવારનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો હતો. રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના ડોક્ટર્સ અને ટેકનિશિયનોની ટીમે ખડેપગે સેવા આપી હતી.
