સુરત
સુરત શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે લસકાણા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને જાણીતી ‘ધ ઘર સોપ્સ’ (The Ghar Soaps) બ્રાન્ડના ડુપ્લિકેટ સાબુના જંગી જથ્થા સાથે બે ઓનલાઇન વેપારીઓને ઝડપી પાડ્યા છે.

છેલ્લા ચાર મહિનાથી ચાલતો હતો ગોરખધંધો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી આ ગેરકાયદે નેટવર્ક ચલાવી રહ્યા હતા. આરોપીઓ મોટા વરાછાના એક સપ્લાયર પાસેથી નકલી સાબુ લાવીને માત્ર પેકિંગ કરતા હતા અને ત્યારબાદ જાણીતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘મીશો’ (Meesho) પર ઓનલાઇન ઓર્ડર મેળવી તેનું ધૂમ વેચાણ કરતા હતા.
સહજાનંદ હબની ઓફિસમાંથી ૬૦૦૦ નંગ સાબુ જપ્ત
લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા-ગઢપુર રોડ પર આવેલી એન.સી. ઠક્કર સ્કૂલ સામેના ‘સહજાનંદ હબ’ ની ઓફિસ નંબર ૧૦૪ માંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાબડતોબ છાપો મારતાં સ્થળ પરથી ‘ઘર સોપ્સ આયુર્વેદા પ્લસ મેજિક સોપ’ નામની બ્રાન્ડના હૂબહૂ પેકિંગવાળા ડુપ્લિકેટ સાબુ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી એક બોક્સમાં ત્રણ સાબુ પેક કરેલા હોય તેવા કુલ ૨,૦૦૦ બોક્સ (કુલ ૬,૦૦૦ નંગ સાબુ) જપ્ત કર્યા હતા. બજાર કિંમત મુજબ અંદાજે ₹૨,૦૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા વેપારીઓ પાસે જીએસટી નોંધણી કે ડિસ્ટ્રીબ્યુટરશિપ અંગેનું કોઈ જ માન્ય લાયસન્સ કે બિલ મળી આવ્યું નહોતું.
ઓરિજિનલ કંપની અને બેંક ટ્રાન્ઝેક્શન અંગે તપાસ તેજ
હાલ લસકાણા પોલીસે આ મામલે કાયદેસરની નોંધ કરી છે તેમજ ઓરિજિનલ પ્રોડક્ટ બનાવતી કંપનીનો સંપર્ક સાધી કોપીરાઈટ ભંગ અંગે ઈમેલ દ્વારા જાણ કરી છે. ઓનલાઇન પેમેન્ટ કયા બેંક એકાઉન્ટમાં જમા થતું હતું અને આ નકલી સાબુ ક્યાં બનાવવામાં આવતા હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે