અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા મેમનગરમાં ભગવાન સમાન ગણાતા તબીબી વ્યવસાયને કલંકિત કરતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. મેમનગર સ્થિત ગેસ્ટ્રો અને લિવર હોસ્પિટલમાં ગેસ્ટ્રિક અલ્સરની સારવાર અર્થે દાખલ થયેલી ૨૫ વર્ષીય યુવતી સાથે તબીબે જ તબીબી તપાસના બહાને દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. પીડિતાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડૉક્ટરની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે.

મહિલા સ્ટાફની ગેરહાજરીમાં રૂમ બંધ કરી આચર્યું દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર, પેટમાં અલ્સરની તકલીફ હોવાથી પીડિત યુવતી ગત ૧ ઑક્ટોબરના રોજ પોતાના પરિવારજનો સાથે આ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થઈ હતી. તે જ રાત્રે આરોપી ડૉક્ટર વ્રજ સત્યેશકુમાર પટેલે કોઈ પણ મહિલા નર્સ કે સ્ટાફની ગેરહાજરીમાં ચેકિંગના બહાને યુવતી સાથે અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
ત્યારબાદ બીજા દિવસે એટલે કે ૨ ઑક્ટોબરની સાંજે ડૉક્ટરે યુવતીને હોસ્પિટલના રૂમ નંબર ૫ માં બોલાવી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પેટ અને અન્ય તપાસના નામે મહિલા એટેન્ડન્ટ વગર યુવતીના કપડાં ઉતરાવ્યા હતા અને તબીબી ગ્લોવ્ઝ પહેર્યા વિના યુવતીના ગુપ્ત ભાગો સાથે અડપલાં કરી ગંભીર શારીરિક અત્યાચાર આચર્યો હતો.
પરિવારને આપવીતી જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ડૉક્ટરના આ શર્મનાક કૃત્ય બાદ ગભરાઈ ગયેલી યુવતીએ હિંમત ભેગી કરી પરિવારને સમગ્ર બનાવની આપવીતી જણાવી હતી. પરિવારે તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી ડૉક્ટર વ્રજ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૪(૧) (રેપ) અને કલમ ૭૪ (મહિલાની લજ્જા લૂંટવાના ઈરાદાથી હુમલો કે બળપ્રયોગ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આરોપી ડૉક્ટરની ધરપકડ, કોર્ટે જેલ મોકલ્યો
ગુનાની ગંભીરતાને જોતાં વસ્ત્રાપુર પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ૪ ઑક્ટોબરના રોજ થલતેજ વિસ્તારમાં રહેતા આરોપી ડૉક્ટર વ્રજ સત્યેશકુમાર પટેલની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ, મેડિકલ પુરાવા અને સ્ટાફના નિવેદનો મેળવી આગળની કાનૂની તપાસ વધુ તેજ બનાવી છે.