અમદાવાદ

આજથી આકાશમાં ‘ડ્રકોનિક્સ ઉલ્કા વર્ષા’નો અદ્ભુત નજારો: કલાકે ૫૦ થી ૧૦૦ ઉલ્કા ખરશે, ૮ ઓક્ટોબરે જોવા મળશે પીક અવર્સ

આજથી આકાશમાં ‘ડ્રકોનિક્સ ઉલ્કા વર્ષા’નો અદ્ભુત નજારો: કલાકે ૫૦ થી ૧૦૦ ઉલ્કા ખરશે, ૮ ઓક્ટોબરે જોવા મળશે પીક અવર્સ

Draconid Meteor Shower

અમદાવાદ

ખગોળરસિકો અને અવકાશી ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે એક રોમાંચક અને અદ્ભુત અવસર આવી પહોંચ્યો છે. આજથી આગામી ચાર દિવસ સુધી સમગ્ર વિશ્વ સહિત ભારતના આકાશમાં ‘ડ્રકોનિક્સ ઉલ્કા વર્ષા’ (Draconid Meteor Shower) નો અલૌકિક નજારો જોવા મળશે. સ્વચ્છ અને અંધકારમય આકાશમાં પ્રારંભિક તબક્કે પ્રતિ કલાક ૧૦, જ્યારે પીક સમયે કલાકદીઠ ૫૦ થી ૧૦૦ જેટલી ઉલ્કાઓ ખરતી જોવા મળશે. ભારત જનવિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા ગુજરાતના લોકોને આ અનોખી ખગોળીય ઘટનાને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

૮ ઑક્ટોબરે રહેશે ઉલ્કા વર્ષાની ચરમસીમા

ભારત જનવિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઉલ્કા વર્ષા ૭ થી ૧૦ ઑક્ટોબર દરમિયાન સક્રિય રહેશે, જેમાં ખાસ કરીને ૮ ઑક્ટોબરે આકાશમાં મહત્તમ ઉલ્કાઓ પડતી જોવા મળશે. બુધવાર અને ગુરુવારે વહેલી સાંજે, મધ્યરાત્રિ બાદ તેમજ પરોઢિયે આ ઉલ્કા વર્ષાનો સૌથી સુંદર નજારો જોવા મળશે. આ નજારો શહેરની ઝાકઝમાળ અને લાઈટોથી દૂર આવેલા શાંત કે નિર્જન સ્થળેથી નરી આંખે પણ સ્પષ્ટપણે જોઈ શકાશે.

ધૂમકેતુઓ છે ઉલ્કા વર્ષા પાછળનું મુખ્ય કારણ

વર્ષ દરમિયાન અવકાશમાં આશરે ૧૦ થી ૧૨ વખત નાની-મોટી ઉલ્કા વર્ષાઓ થતી હોય છે. આ ખગોળીય ઘટના પાછળ ધૂમકેતુઓ (Comets) મુખ્ય કારણભૂત હોય છે. ધૂમકેતુઓ સૂર્યની પ્રદક્ષિણા કરતી વખતે જે રજકણો અને અવશેષો પાછળ છોડી જાય છે, તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવી વાતાવરણમાં પ્રવેશીને ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. પરિણામે આકાશમાં દિવાળીની આતશબાજી કે રંગબેરંગી ફટાકડા ફૂટતા હોય તેવા અદ્ભુત લીસોટા સર્જાય છે.

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે વિશેષ આયોજન

વિદેશોમાં લોકો આવા અવકાશી નજારાને માણવા માટે દરિયાકિનારે કે પહાડી વિસ્તારોમાં બે-ત્રણ દિવસનો કેમ્પ લગાવતા હોય છે. ગુજરાતમાં પણ જનવિજ્ઞાન જાથા દ્વારા ફાયરબોલ ફોટોગ્રાફી તેમજ ઇન્ટરનેટ મિત્રોના સહયોગથી આ સમગ્ર ઘટનાને ડિજિટલ કેમેરામાં કેદ કરવાનું આયોજન કરાયું છે. રાજ્યમાં ઉલ્કા વર્ષા સંબંધી વધુ રસપ્રદ માહિતી માટે 98252 16689 નંબર પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder