મુંબઈ
ટેલિવિઝન જગત અને સ્ટાર પ્લસના દર્શકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચેનલ પર પ્રસારિત થતો જાણીતો ફેમિલી ડ્રામા શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી 2’ હવે ટૂંક સમયમાં દર્શકો પાસેથી વિદાય લેવા જઈ રહ્યો છે. મેકર્સ દ્વારા આ શોને ઓફ-એર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જાણીતા નિર્માતા મુક્તા ધાંધનો નવો અને રહસ્યમય સુપરનેચરલ શો ‘અપ્સરા’ શરૂ કરવામાં આવશે. આ નવો શો આગામી ૨૧ ઑક્ટોબરથી દરરોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે સ્ટાર પ્લસ તેમજ જિયોહોટસ્ટાર (JioHotstar) પર પ્રસારિત થશે. શોના નિર્માતાઓએ તાજેતરમાં જ તેનો આકર્ષક ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે.

સમીક્ષા જાયસ્વાલ અને પારસ કલનાવત મુખ્ય જોડી તરીકે જોવા મળશે
આ નવી ધારાવાહિકમાં ટેલિવિઝનના લોકપ્રિય કલાકારો સમીક્ષા જાયસ્વાલ અને પારસ કલનાવત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જેવા કે અનુષ્કા મરચંડે, અદા ખાન, અવિકા ગોર, મોના વાસુ અને પૂર્વા ગોખલે પણ મહત્વના રોલમાં જોવા મળશે. શોની વાર્તા એક અપ્સરાની આસપાસ વણાયેલી છે, જે પ્રાચીન દૈવી શક્તિ અને તેને કોઈપણ ભોગે હાંસલ કરવા મથતા નકારાત્મક પરિબળો વચ્ચેની મુખ્ય કડી બને છે.
‘અપ્સરા માત્ર સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પોતે જ પોતાની હીરો છે’: સમીક્ષા જાયસ્વાલ
આ શોમાં ‘સુનેહરી’ નામની અપ્સરાનું મુખ્ય પાત્ર ભજવી રહેલી અભિનેત્રી સમીક્ષા જાયસ્વાલે પોતાના રોલ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “મને આ પાત્ર એટલા માટે ખૂબ ગમ્યું કારણ કે આ અપ્સરા માત્ર રૂપ અને સુંદરતા પૂરતી સીમિત નથી. તેના માથે પવિત્ર અમૃતની રક્ષા કરવાની અત્યંત ગંભીર અને મોટી જવાબદારી છે. આ ઉપરાંત તેના દિલમાં પોતાના સ્વજનો પ્રત્યે અતૂટ પ્રેમ પણ છે. આ કોઈ એવી અબળા નારી નથી જે કોઈ રાજકુમાર તેની મદદે આવે તેની રાહ જોતી બેસી રહે, પરંતુ તે પોતે જ સશક્ત છે અને પોતાની લડાઈ જાતે લડીને પોતાની હીરો પોતે જ બને છે.”
સુપરનેચરલ જોનર હંમેશાં દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે ‘ક્યૂંકી ૨’ ની વિદાય બાદ ૨૧ ઑક્ટોબરથી શરૂ થઈ રહેલો આ નવો શો ટીઆરપી ચાર્ટમાં કેવો કમાલ કરે છે તેના પર સૌની નજર રહેશે.