પુણે:
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કાયદાકીય નિયમોના ઉલ્લંઘન બદલ પુણેના વડકી વિસ્તારમાં આવેલા જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ‘સિપ્લા’ (Cipla) ના ગોડાઉનનું ડ્રગ સેલ અને ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેના નિર્દેશો તથા હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ કંપનીનો પક્ષ સાંભળ્યા બાદ ૧ ઓક્ટોબરે આ કડક સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો હતો..

‘રિએક્ટિન પ્લસ’ દવા પર ગેરકાયદે પ્રમોશનલ દાવા
આ સમગ્ર કાર્યવાહી મુખ્યત્વે શેડ્યુલ-H હેઠળ આવતી પ્રિસ્ક્રિપ્શન આધારિત દવા ‘રિએક્ટિન પ્લસ’ (Reactin Plus) સાથે સંબંધિત છે. નિયમો અનુસાર પ્રિસ્ક્રિપ્શન દવાની પેકિંગ પર કોઈ પ્રમોશનલ દાવા કરી શકાતા નથી, તેમ છતાં આ દવાના પેકિંગ પર માથાનો દુખાવો, સાંધા અને કમરના દુખાવામાં ઝડપી રાહત જેવા અનધિકૃત પ્રમોશનલ વાક્યો દર્શાવવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ પણ એફડીએ દ્વારા અંદાજે ₹૧૧.૨ લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરી માર્કેટમાંથી પરત ખેંચવા (રીકૉલ) નો આદેશ અપાયો હતો.
તપાસમાં વેરહાઉસની ગંભીર બેદરકારીઓ ખુલ્લી પડી
એફડીએ અધિકારીઓની તપાસ દરમિયાન વેરહાઉસની જાળવણીમાં ભારે ક્ષતિઓ બહાર આવી હતી:
- જીવનજરૂરી દવાઓનો જથ્થો પેલેટ પર રાખવાને બદલે ધૂળવાળા વાતાવરણમાં સીધો જમીન પર પડેલો જોવા મળ્યો હતો.
- એક્સપાયર થઈ ગયેલી દવાઓ માટે નિયમ મુજબ અલગ ડેડિકેટેડ સ્ટોરેજ રાખવાને બદલે તેને વેચાણ માટેની નિયમિત દવાઓ સાથે જ ભેળવી દેવામાં આવી હતી.
- સ્થળ પરથી ફરજિયાત ગણાતી ‘ઇન્સ્પેક્શન બુક’ ગુમ હતી.
- કમ્પ્યુટર રેકોર્ડ અને ગોડાઉનમાં રહેલા વાસ્તવિક સ્ટોકમાં, ખાસ કરીને એન્ટીબાયોટીક્સ દવાઓમાં મોટો વિરોધાભાસ અને ગડબડી માલૂમ પડી હતી.
સિપ્લા કંપની કાનૂની વિકલ્પો ચકાસશે
બીજી તરફ, આ આકરા નિર્ણય સામે સિપ્લા કંપનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કંપનીએ જણાવ્યું કે તેઓ દર્દીઓની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેમનું વેરહાઉસ નિયમ અનુસાર કાર્યરત હતું. કંપની હાલમાં એફડીએના આદેશની સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે અને ભવિષ્યની કાર્યવાહી માટે તમામ કાનૂની વિકલ્પો ચકાસી રહી છે.