અમદાવાદ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભાયલા બ્રિજ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: 112 ની ટીમે સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને બચાવ્યા

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભાયલા બ્રિજ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: 112 ની ટીમે સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને બચાવ્યા

Rajkot Ahmedabad Highway,

અમદાવાદ:

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે સવારે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં બસમાંથી આગ અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડવા લાગ્યા હતા, જેના કારણે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી સર્જાઈ હતી. જોકે, નજીકમાં ફરજ બજાવતી પોલીસ 112 ની ટીમે દર્શાવેલી અદભુત સમયસૂચકતા અને ત્વરિત રેસ્ક્યુ કામગીરીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

112 ની ટીમે દેવદૂત બની મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાયલા બ્રિજ પર લક્ઝરી બસમાં આગ ભભૂકતી જોઈ નજીકના કેરાળા બ્રિજ પર તહેનાત 112 ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ બસની અંદર ફસાયેલા મુસાફરોને સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. મુસાફરોને સમયસર સહીસલામત બહાર કાઢી લેવાતાં એક મોટી હોનારત સર્જાતા અટકી ગઈ હતી.

ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો, ટ્રાફિક ડાયવર્ટ કરાયો

સ્થિતિની ગંભીરતા પારખીને 112 ની ટીમે તાત્કાલિક સ્થાનિક ‘એલબી ટેક્સ’ ની ફાયર ફાઈટર ટીમને જાણ કરી બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ ન સર્જાય અને અન્ય વાહનો જોખમમાં ન મુકાય તે હેતુથી પોલીસે સમયસર ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder