દુબઈ:
દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટમાં બુધવારે મધઆકાશે સર્જાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અને લોહિયાળ ઘટના વચ્ચે એક ભારતીય પાઇલટ સમગ્ર વિશ્વમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. કોકપિટની અંદર એક પાઇલટે બીજા પાઇલટ પર અચાનક ચાકુથી હુમલો કરી વિમાનને ક્રેશ કરવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. જોકે, ફ્લાઇટમાં હાજર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મછાર (Smit Machchhar) એ પોતાના જીવના જોખમે હુમલાખોરને કાબૂમાં કરી 174 નિર્દોષ મુસાફરોના જીવ બચાવી લીધા હતા.

કોકપિટમાં ચાકુ વડે હુમલો અને વિમાન ક્રેશ કરવાનો ખતરનાક પ્રયાસ
મળતી વિગતો અનુસાર, દુબઈ-તેલ અવીવ રૂટ પર ઉડાન ભરી રહેલા બોઈંગ વિમાનમાં કોકપિટની અંદર અચાનક પરિસ્થિતિ વણસી હતી. એક પાઇલટે અચાનક બીજા પાઇલટ પર છરી વડે હુમલો કરી દીધો હતો અને વિમાનનો કંટ્રોલ છીનવી તેને ક્રેશ કરવાની કોશિશ કરી હતી. આ અત્યંત નાજુક અને ભયાવહ ક્ષણોમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મછારે અસાધારણ હાજરબુદ્ધિ, અદમ્ય સાહસ અને બહાદુરી દર્શાવી હુમલાખોર પાઇલટને સમયસર રોકી દીધો હતો.
174 મુસાફરો માટે દેવદૂત બન્યા સ્મિત મછાર
જો કેપ્ટન સ્મિત મછારે ક્ષણવારનો પણ વિલંબ કર્યો હોત તો મોટી આકાશી હોનારત સર્જાઈ શકી હોત. તેમણે સમયસૂચકતા વાપરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વિમાનને ક્રેશ થતું અટકાવી સુરક્ષિત ડાયવર્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિમાનમાં સવાર તમામ 174 મુસાફરો (જેમાં નાના બાળકો પણ સામેલ હતા) સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા હતા.
વૈશ્વિક નેતાઓએ બિરદાવી બહાદુરી
કેપ્ટન સ્મિત મછારની આ જાંબાઝીની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના વૈશ્વિક નેતાઓએ સ્મિત મછારને સાચા ‘હીરો’ ગણાવી તેમની બહાદુરીના મુક્ત મને વખાણ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે એક ભારતીય પાઇલટના સાહસની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.