gujarat gujarat

સાબરકાંઠામાં રક્તરંજિત હાઇવે: અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ કચડ્યા, 1નું મોત; રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી

સાબરકાંઠામાં રક્તરંજિત હાઇવે: અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ કચડ્યા, 1નું મોત; રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી

Sabarkantha

હિંમતનગર / સાબરકાંઠા:

ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓ માટે સાબરકાંઠાનો હાઇવે લોહીલુહાણ બન્યો છે. હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક બેફામ સ્કોર્પિયો કાર ચાલકે ભયાનક તાંડવ મચાવતાં ૧૨ જેટલા નિર્દોષ પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૧૧ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી ભાગી રહેલા ચાલકને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો અને વિફરેલા ટોળાએ સ્કોર્પિયો કારને આગ ચાંપી દેતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

GRD જવાનો પર કાર ચડાવી અને શરૂ થયો મોતનો તાંડવ

પોલીસ સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢોળાસર ગામ પાસે પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા અર્થે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારને ફરજ પર તહેનાત GRD (ગ્રામ રક્ષક દળ)ના જવાનોએ રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કાયદાની કોઈ પરવા કર્યા વિના નશા કે અહંકારમાં અંધ બનેલા ડ્રાઈવરે સીધી કાર GRD જવાનો પર ચડાવી દીધી હતી અને ગાડી ભગાવી મૂકી હતી.

અઢી કિલોમીટર સુધી રસ્તા પર ચાલતા સંઘોને અડફેટે લીધા

બેરિકેડિંગ તોડીને બેફામ બનેલો કાર ચાલક ભરત પટેલ અઢી કિલોમીટરના અંતર સુધી હાઇવે પર મોત બનીને દોડતો રહ્યો હતો. રસ્તાની સાઈડમાં ‘જય અંબે’ના નારા સાથે શ્રદ્ધાપૂર્વક ચાલી રહેલા અલગ-અલગ પદયાત્રી સંઘોને આ કારે પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધા હતા. જેના કારણે હાઇવે પર ચીસાચીસ અને અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં નાના ચેખલા ગામના વતની મોહનભાઈ રમણભાઈ વાઘેલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

સ્થાનિક હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર, કેટલાકની હાલત નાજુક

ઘટનાને પગલે સ્થાનિક રાહદારીઓ અને સેવા કેમ્પોના સ્વયંસેવકો તાબડતોબ મદદે દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ૩ ગંભીર ઈજાગ્રસ્તોને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૮ લોકોને હિંમતનગર સિવિલ (સરકારી) હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ટોળાનો આક્રોશ: કાર સળગાવી ખાખ કરી, ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો

અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા સ્કોર્પિયો ચાલક ભરત પટેલને ઘટનાસ્થળે હાજર ઉશ્કેરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો. પદયાત્રીઓ પર ગાડી ચડાવી દેવાના આ અમાનવીય કૃત્યથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ સ્કોર્પિયો કારની તોડફોડ કરી તેને આગ ચાંપી દીધી હતી, જેનાથી જોતજોતામાં કાર ભડભડ સળગીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતાં હિંમતનગર રૂરલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપી ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder