મોરબી

વૃદ્ધોના ચહેરા પર પ્રસન્નતાની ઝળહળાહટ: શ્રી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટે કરાવ્યા પવિત્ર તીર્થધામોના સુખદ દર્શન, ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાનું જીવંત ઉદાહરણ

વૃદ્ધોના ચહેરા પર પ્રસન્નતાની ઝળહળાહટ: શ્રી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટે કરાવ્યા પવિત્ર તીર્થધામોના સુખદ દર્શન, ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાનું જીવંત ઉદાહરણ

ગોંડલ:તા. 18 જુલાઈ, 2026:સમાજમાં વૃદ્ધોની સેવા એ સૌથી શ્રેષ્ઠ માનવસેવા ગણાય છે. વૃદ્ધાવસ્થામાં પ્રેમ, સન્માન અને લાગણીભર્યો સાથ મળે તો તેમના જીવનમાં નવી આશા અને આનંદનો સંચાર થાય છે. આ જ માનવતાના મૂલ્યોને સાકાર કરતાં શ્રી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ગોંડલ દ્વારા દાતા “‘સ્વ. પ્રભાતસિંહ રાયસિંહજી જાડેજા (પી.આર. જાડેજા)””ની પુણ્ય તિથિ નિમિત્તે શાંતિધામ વૃદ્ધાશ્રમ, જેતપુરના આશરે 40 જેટલા વૃદ્ધો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ઝરી બસ મારફતે વૃદ્ધોને મોગલધામ ભગુડા, બગદાણા અને રાજપરા ખોડિયાર માતાજી મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ટ્રસ્ટના બહેનો અને ભાઈઓએ દરેક વૃદ્ધ સાથે કેરટેકરની વ્યવસ્થા રાખી હતી, જેથી કોઈને પણ જરા પણ અગવડ ન પડે. મંદિર ટ્રસ્ટ અને વ્યવસ્થાપનના સહયોગથી વૃદ્ધોને સન્મુખ અને સરળતાથી દર્શન કરાવવામાં આવ્યા, જેના કારણે તેમના ચહેરા પર પ્રસન્નતા અને આત્મિક સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો.
આ ધાર્મિક પ્રવાસ માત્ર દર્શન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ વૃદ્ધોને આત્મીયતા, સન્માન અને પરિવાર જેવી લાગણીનો અનુભવ કરાવતો અનોખો પ્રસંગ બની રહ્યો. જીવનના અંતિમ પડાવમાં આવા કાર્યક્રમો વૃદ્ધોમાં નવી ઉર્જા, માનસિક શાંતિ અને સમાજ પ્રત્યે વિશ્વાસ મજબૂત બનાવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ બંટીભાઈ ભુવાના માર્ગદર્શન હેઠળ જયેન્દ્રસિંહ ડાભી, નંદાભાઈ ભેસાણીયા (ગેરેજવાળા), રવીભાઈ પરસાણા, ચંદ્રકાંતભાઈ હાસલપરા (હકાભાઈ), કૈલાશબા પરમાર, એકતાબેન ધોરાજીયા, જાગૃતિબેન માલવિયા સહિત ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં ઘણા વૃદ્ધો એકલતા અને ઉપેક્ષાનો અનુભવ કરે છે. આવા સમયમાં સમાજની સંસ્થાઓ દ્વારા આયોજિત ધાર્મિક અને માનવતાલક્ષી કાર્યક્રમો માત્ર પ્રવાસ નથી, પરંતુ વૃદ્ધોના મનોબળને મજબૂત બનાવતા અને તેમને સમાજ સાથે જોડાયેલા હોવાનો અહેસાસ કરાવતા પ્રયાસો છે. શ્રી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો આ ઉપક્રમ “”વસુધૈવ કુટુંબકમ””ની ભાવનાને જીવંત કરતો અને સમાજને સેવા, સંવેદના તથા સંસ્કારનો પ્રેરણાદાયી સંદેશ આપતો ઉત્તમ દ્રષ્ટાંત બની રહ્યો છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder