મોરબી

વિધવા બહેનોને સન્માનભર્યું જીવન મળે તો જ વિકાસનું સાચું ચિત્ર દેખાશે: મોંઘવારીને અનુરૂપ પેન્શન અને યોજનાઓમાં વધારો સમયની માંગ

વિધવા બહેનોને સન્માનભર્યું જીવન મળે તો જ વિકાસનું સાચું ચિત્ર દેખાશે: મોંઘવારીને અનુરૂપ પેન્શન અને યોજનાઓમાં વધારો સમયની માંગ

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ મારફતે મહિલાઓ, વિધવા બહેનો, નિરાધાર પરિવારો અને બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગને સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધતી મોંઘવારીને કારણે યોજનાઓ હેઠળ મળતી સહાયની રકમ અને પેન્શન વર્તમાન જરૂરિયાતો સામે ઓછી પડતી હોવાનો મુદ્દો સમાજના વિવિધ વર્ગોમાંથી ઉઠી રહ્યો છે.હાલની પરિસ્થિતિમાં રસોઈ ગેસ, અનાજ, દવાઓ, વીજળી, ભાડું, શિક્ષણ અને દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓ ના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં માત્ર મર્યાદિત પેન્શનના આધારે જીવન ગુજારવું અનેક વિધવા અને નિરાધાર મહિલાઓ માટે મુશ્કેલ બન્યું છે. પરિણામે અનેક સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પણ પેન્શનમાં વધારો કરવા તેમજ સહાયની રકમ મોંઘવારીના દરને અનુરૂપ સુધારવાની માંગ કરી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમયસર અને સરળતાથી લાભાર્થી સુધી પહોંચે તે પણ એટલું જ મહત્વનું છે. ઘણી વખત યોજનાઓ હોવા છતાં માહિતીના અભાવ, પ્રક્રિયાની જટિલતા અથવા વિલંબના કારણે જરૂરિયાતમંદ મહિલાઓ સમયસર લાભ મેળવી શકતી નથી. આ બાબતે વધુ અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે.મહિલા સશક્તિકરણનો સાચો અર્થ માત્ર નવી યોજનાઓ જાહેર કરવામાં નથી, પરંતુ જે મહિલા ઓ જીવનસાથી ગુમાવી ચૂક્યા બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહી છે તેમને સન્માનજનક જીવન જીવવા માટે પૂરતું આર્થિક સંબળ ઉપલબ્ધ કરાવવામાં છે. વિધવા પેન્શન, નિરાધાર સહાય, આરોગ્ય સહાય, આવાસ, સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ જેવી યોજનાઓને વધુ મજબૂત બનાવવાથી હજારો પરિવારોને સીધો લાભ મળી શકે છે.

સામાજિક ક્ષેત્રના જાણકારો માને છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખી સમયાંતરે પેન્શનની રકમની સમીક્ષા થવી જોઈએ અને જરૂરી વધારો કરવામાં આવે તો મહિલાઓને આત્મનિર્ભર બનવામાં વધુ મદદ મળશે. સાથે જ તમામ સરકારી સહાય અને યોજનાઓનો લાભ પારદર્શક રીતે, સમયસર અને સરળ પ્રક્રિયા દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં સતત પ્રયાસો થવા જોઈએ. મહિલાઓને સશક્ત બનાવવી હોય તો માત્ર જાહેરાતો પૂરતી નથી, પરંતુ સમયની જરૂરિયાત મુજબ પેન્શન, સહાય અને કલ્યાણકારી યોજનાઓમાં વ્યવહારુ સુધારા કરીને તેમને આત્મનિર્ભર અને સન્માનભર્યું જીવન જીવવાની તક આપવી એ જ વિકાસનું સાચું માપદંડ બની શકે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder