માળીયા :
નવરાત્રીના પાવન અવસરે કચ્છ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ મા આશાપુરાના ધામ ‘માતાના મઢ’ ખાતે દર્શનાર્થે પગપાળા નીકળતા માઇભક્તો માટે સેવાભાવની અનોખી મિસાલ જોવા મળી રહી છે. લાઈફ મિશન પ્રેરિત અને ગુરુજી રાજર્ષિ મુનિજીના આશીર્વાદથી માળીયા ચોકડી ખાતે છેલ્લા ૩૦ વર્ષથી અવિરતપણે કાર્યરત સેવા કેમ્પનું તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી પુનઃ આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રિકો માટે ભોજન, વિસામો અને આરોગ્ય સારવાર
રાજકોટ, જામનગર, હળવદ અને ધ્રાંગધ્રા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને આવતા પદયાત્રીઓ માટે આ કેમ્પ એક મહત્વપૂર્ણ વિસામો સાબિત થાય છે. અહીં પદયાત્રીઓ માટે શુદ્ધ સાત્વિક ભોજન, ચા-પાણી, રાત્રિ રોકાણ (નિવાસ) તેમજ થાકેલા અને પગમાં છાલા પડ્યા હોય તેવા યાત્રિકો માટે પ્રાથમિક મેડિકલ સારવારની સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવાભાવી યુવાનો અને કાર્યકરો રાત-દિવસ એક કરીને પદયાત્રીઓની સેવામાં કાર્યરત રહે છે.
‘સેવા એ જ સાધના’નો ભાવ
માતાના મઢની પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ ભક્તિ, આસ્થા અને સંકલ્પનું પ્રતીક છે. આ કઠિન પદયાત્રામાં યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ‘સેવા એ જ સાધના’ના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પની પરંપરા ત્રણ દાયકાથી અખંડ રીતે જળવાઈ રહી છે. સેવાભાવી સેમરાજસિંહ જાડેજા દ્વારા તમામ પદયાત્રીઓને આ કેમ્પની સુવિધાઓનો લાભ લેવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.
- સંપર્ક સૂત્ર: 98242 92489, 87801 42431