મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોટી દુર્ઘટના: દરિયામાં નાહવા પડેલા પુણેના 8 વિદ્યાર્થીઓ ડૂબ્યા, પિકનિક માતમમાં ફેરવાઈ

મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોટી દુર્ઘટના: દરિયામાં નાહવા પડેલા પુણેના 8 વિદ્યાર્થીઓ ડૂબ્યા, પિકનિક માતમમાં ફેરવાઈ

Diveagar Beach Accident,

રાયગઢ (મહારાષ્ટ્ર):

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત અને રમણીય દિવેઆગર બીચ (Diveagar Beach) પર એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુણેથી પિકનિક મનાવવા આવેલા ખાનગી કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ દરિયાના પ્રવાહ અને ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં આઠ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી દર્દનાક મોત નીપજ્યાં છે. ક્ષણભરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

પિકનિક બની કાળ: ઊંડા પાણીનો અંદાજ ન રહ્યો

મળતી વિગતો અનુસાર, પુણેના આલંડી વિસ્તારમાં કાર્યરત “વિનર્સ” નામના ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ માટે દિવેઆગર બીચના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બીચ પર પહોંચ્યા બાદ ઉત્સાહમાં આવી કેટલાક વિદ્યાર્થીઓ દરિયાના પાણીમાં સ્નાન કરવા અને મોજાંઓ વચ્ચે આનંદ માણવા ઉતર્યા હતા. જોકે, સમુદ્રની ભરતી અને પાણીના ઊંડાણનો સાચો ખ્યાલ ન આવતાં વિદ્યાર્થીઓ ઊંડાણમાં ખેંચાવા લાગ્યા હતા. જોતજોતામાં આઠ જેટલા યુવાન વિદ્યાર્થીઓ ઊંડા પાણીના વમળમાં ફસાઈને ડૂબવા લાગતાં કિનારે ઊભેલા અન્ય પ્રવાસીઓમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.

વોટર સ્પોર્ટ્સ ટીમ અને સ્થાનિકોએ હાથ ધર્યું રેસ્ક્યુ

વિદ્યાર્થીઓને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં જોઈને કિનારે હાજર મહાકાળી વોટર સ્પોર્ટ્સના સંચાલક ભાઉ મારુતિ સાલુંખે, તેમના સાથી સ્ટાફ મેમ્બર્સ અને સ્થાનિક માછીમારો-ગ્રામજનો કોઈ પણ વિચાર કર્યા વગર દરિયામાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત અને સાહસપૂર્વક તમામ આઠેય વિદ્યાર્થીઓને દરિયામાંથી બહાર કાઢી કાંઠે લાવવામાં આવ્યા હતા. જોકે, ફેફસાંમાં અતિશય પાણી ભરાઈ જવાના કારણે અને ગૂંગળામણથી તમામે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ દિઘી સાગરી બોરલી પંચતાન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API) સંતોષ અવતી પોતાની ટીમ સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તમામ વિદ્યાર્થીઓના મૃતદેહોનો કબજો મેળવી બોરલી પંચતાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, પ્રવાસ આયોજકોની બેદરકારી અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને પરિવારજનોને દુઃખદ સમાચાર આપવા તજવીજ હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder