આપણી પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગનું જોખમ હવે કેટલી હદે વધી ચૂક્યું છે તેનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વિજ્ઞાન પત્રિકા ‘સાયન્ટિફિક ડેટા’માં પ્રકાશીત થયેલા એક સનસનીખેજ રિપોર્ટે દુનિયાભરના વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 1979થી અત્યાર સુધીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના વિશાળ ગ્લેશિયરોમાંથી આશરે 12.5 ટ્રેલિયન ટન (લગભગ 11.3 લાખ મેટ્રિક ટન) બરફ પાણી બનીને વહી ગયો છે! આ બરફ એટલો બધો છે કે જો તેને આખા અમેરિકા ખંડ પર ફેલાવવામાં આવે, તો ત્યાં 5 ફૂટ ઊંડી બરફની ચાદર છવાઈ જાય. આ સ્થિતિ દરિયાકાંઠાના શહેરો માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.

- સમુદ્રના જળસ્તરમાં વધારો અને ભયાનક આંકડા: પીગળેલો આ બરફ અંદાજે 3ક્વાડ્રિલિયન ગેલન એટલે કે 11.6 ક્વાડ્રિલિયન લિટર પાણીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. આ જળપ્રલયના કારણે વર્ષ 1979થી અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે સમુદ્રનું જળસ્તર આશરે 1 ઇંચ (3.1 સેન્ટીમીટર) વધી ગયું છે. સાંભળવામાં ‘1 ઇંચ’ ભલે ખૂબ નાનો આંકડો લાગે, પરંતુ તેના પરિણામો અત્યંત ભયાનક છે. નિષ્ણાતોના મતે, સમુદ્રનું સ્તર દર એક તૃતીયાંશ ઇંચ વધવાથી પણ દુનિયાભરમાં 20 થી 30 મિલિયન (2થી 3 કરોડ) લોકો એવા છે જેના ઘરો અને વિસ્તારોમાં દર વર્ષે પૂર આવવાનો ગંભીર ખતરો પેદા થઈ જાય છે.
- બરફ પીગળવાનું અસલી અને ચોંકાવનારું કારણ: સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે ઉપરની ગરમ હવાના કારણે બરફ પીગળી રહ્યો છે, પરંતુ આ સ્ટડીએ એક નવું જ સત્ય બહાર લાવ્યું છે. રિપોર્ટ દર્શાવે છે કે બરફના પાંચમા અને છઠ્ઠા ભાગનું પીગળવું ઉપરની ગરમ હવાના કારણે નહીં, પરંતુ સમુદ્રના ગરમ પાણીના લીધે થઈ રહ્યું છે! ગરમ પાણી નીચે અને કિનારેથી બરફની પરો (ચાદરો) ને સતત કાપી રહ્યું છે, જેથી ગ્લેશિયરો ઝડપથી તૂટીને મહાસાગરોમાં વહી રહ્યા છે. ગ્રીનલેન્ડના ગ્લેશિયરો તો હવે એક દિવસમાં 164 ફૂટ (50 મીટર) સુધી પાછળ ખસી રહ્યા છે.
- દાયકાઓનો ક્રમ અને તાજેતરની સ્થિતિ: યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ નાસાના જૂના ઉપગ્રહોની મદદથી 1970ના દાયકાથી અત્યાર સુધીના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. રિપોર્ટ મુજબ 70, 80 અને 90ના દાયકામાં બરફની પરો ઘણી હદ સુધી સ્થિર હતી, પરંતુ 2010ના દાયકા પછી બરફ પીગળવાની ગતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે, 2020 થી 2023 દરમિયાન હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ 2023 પછી ફરીથી બરફ ઝડપથી ઓગળવાનો જૂનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
- ભવિષ્ય માટે વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી: નો્થમ્બ્રિયા યુનિવર્સિટીના આઈસ સાયન્ટિસ્ટ અને આ અભ્યાસના મુખ્ય લેખિકા ઇનેસ ઓતોસાકા તથા ન્યુયોર્ક યુનિવર્સિટીના ડેવિડ હોલેન્ડે ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગની અસર આ ગ્લેશિયરો પર દશકો પછી દેખાય છે. એટલે કે, જો આપણે આજથી જ ધરતીને ગરમ થતી અટકાવવાના પ્રયાસો શરૂ કરીએ તો પણ આવનારા અનેક દાયકાઓ સુધી આ બરફનું પીગળવું અટકવાનું નથી. દરિયાકાંઠાના વિસ્તારો વધુને વધુ અસુરક્ષિત બની રહ્યા છે અને જો સમયસર નક્કર પગલાં નહીં ભરાય તો આવનારા વર્ષોમાં માનવજાતે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.