વોશિંગ્ટન:
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના પાવર પ્લાન્ટ્સ પર સૂચિત સૈન્ય હુમલાઓને આગામી 6 એપ્રિલ સુધી રોકી દેવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇરાન સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને આ હુમલાઓ 10 દિવસ માટે પાછા ઠેલવામાં આવ્યા છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
અગાઉ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી હતી કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઇરાનના ઉર્જા મથકો અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે. જોકે, હવે ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત ઘણી સકારાત્મક અને પ્રોડક્ટિવ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “વાતચીત ચાલુ છે અને ફેક ન્યૂઝ મીડિયાના દાવાઓ છતાં તે ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે.”
બજાર પર અસર:
ટ્રમ્પના આ નિર્ણય બાદ વૈશ્વિક બજારોમાં પણ હલચલ જોવા મળી છે. યુદ્ધની આશંકા ઓછી થતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. જોકે, ઇરાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ વાટાઘાટો અંગે સત્તાવાર સમર્થન આપ્યું નથી, પરંતુ ટ્રમ્પના આ વલણથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં થોડો વિરામ આવવાની શક્યતા દેખાઈ રહી છે.
k
